ડ્રાઈ દીવઃ આ કારણે દીવમાં વાઈન શૉપ્સ બંધ થઈ રહ્યાનો દાવો
ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બિયર પીવાના શોખિનો માટે દીવ સૌથી ફેવરીટ પ્લેસ છે. આ સાથે અહીં આવતા હજારો ટુરિસ્ટો પણ બિયર ઓર્ડર કરતા જ હોય છે, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી દીવમાં દારૂની શૉપ બંધ થઈ રહી છે. આનું કારણ એ છે કે બુટલેગરો પકડાઈ જાય ત્યારે ઘણીવાર બારના માલિકોના નામ પણ એફઆઈઆરમાં નોંધાતા હોય છે. જેના કારણે ઘણી દારૂની દુકાનનાં માલિકોએ સ્વેચ્છાએ શોપ બંધ રાખી દીધી હોવાનું એક અખબારી અહેવાલમાં જણાવાયું છે.
દીવમાં અત્યારે ઘણા બાર અને લીકર શોપ્સ પર કાર્યવાહી થઈ રહી છે. દીવ એડમિનિસ્ટ્રેશને કેટલાક બાર સામે કડક પગલા લીધા છે કારણ કે તેમની સંડોવણી બુટલેગરોને દારૂ સપ્લાય કરવામાં થઈ રહી હતી. જોકે આના કારણે જે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ઓલ્હોહોલિક ડ્રિંક લેવા માટે ફરવાનું પ્લાન કરતા હતા તેવા ટૂરિસ્ટ પર અસર પડી છે.
દીવ લિકર શોપ્સ એન્ડ બાર એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ, દીવ વહીવટીતંત્ર દ્વારા નિયમોના ઉલ્લંઘનના આરોપસર 24 બાર અને દુકાનોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હેરાનગતિથી બચવા માટે 70 થી વધુ અન્ય દુકાનો સ્વેચ્છાએ બંધ કરવામાં આવી હતી.
એક બાર માલિકે કહ્યું કે બુટલેગરો તેમના લોકોને થોડી બોટલ ખરીદવા મોકલે છે. જ્યારે બુટલેગરની ધરપકડ કરવામાં આવે છે ત્યારે એફઆઈઆરમાં બાર કે વાઈન શોપના માલિકનું નામ પણ હોય છે. બોટલનું મૂળ બેચ નંબર પરથી સરળતાથી ચકાસી શકાય છે કે આ ક્યાંથી ખરીદવામાં આવી છે. વળી અમારી દુકાનમાંથી બોટલ ખરીદ્યા પછી ગ્રાહક તેને ક્યાં લઈ જશે તે અમે જાણી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું કે બુટલેગરોને જથ્થાબંધ દારૂ વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં તેમને કોઈ વાંધો નથી. પરંતુ તમામ બાર અને વાઇન શોપ સાથે સમાન રીતે વર્તન અને કામગીરી થઈ રહી છે તે અયોગ્ય છે.
હોટેલીયર્સના જણાવ્યા મુજબ દીવમાં આવતા મોટાભાગના પ્રવાસીઓ ગુજરાતના છે અને તેઓ લાંબા વીકએન્ડ અથવા રજાઓમાં અહીં આવે છે. તેઓ તેમના પરિવારો સાથે હોટલના રૂમમાં બીયર અને બાર જેવો આનંદ માણવા માંગે છે કારણ કે તેઓ પોતાને બારમાં કંફર્ટેબલ ફીલ કરી શકતા નથી. આ ઉપરાંત, બારમાં વેચાતો દારૂ મોંઘો છે.
એક્સાઇઝ કમિશન અને દીવ એડમિનિસ્ટ્રેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર બૂટલેગિંગને રોકવા અને બારમાં સ્વચ્છતા જાળવવા પગલાં લીધાં છે. ગેરકાયદેસર વેચાણ અને નિયમોના ભંગમાં સંડોવાયેલા બાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોઈપણ જગ્યાએ અનિચ્છનીય દારૂના વેચાણને બંધ કરવાનું ચાલુ રાખીશું, તેમ પણ એક ઉચ્ચ અધિકારીક સૂત્રએ અખબારને જણાવ્યું હતું. જોકે બીજી બાજુ મળતી માહિતી અનુસાર દમણમાં પરિસ્થિતિ અલગ છે. દમણમાં સક્રિય લાયસન્સ ધરાવતી લગભગ 45 શરાબની દુકાનોમાંથી મોટાભાગની કાર્યરત છે અને વાઈન શોપના માલિકો દાવો કરે છે કે તેઓને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી.