આપણું ગુજરાત

ગુજરાત વિદ્યાપીઠમાં ડિગ્રી આપવાની પરંપરા બદલાતા વિદ્યાર્થીઓમાં નારાજગી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલા ૬૯મા વાર્ષિક પદવીદાન સમારંભમાં વર્ષો જૂની પરંપરાઓનો ત્યાગ કરીને નવી વ્યવસ્થા અપનાવી લેવામાં આવી હતી. પહેલી વખત પદવીદાન સમારંભમાં ટ્રસ્ટીમંડળના સભ્યો માટે ગાદલાંની જગ્યાએ ખુરશીઓ ગોઠવી દેવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્ટેજ પરથી ડિગ્રી આપવાના બદલે પહેલી વખત જે તે વર્ગોના મોનિટર પાસેથી ડિગ્રી મેળવી લેવાની સૂચના આપી દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિદ્યાપીઠમાં પહેલી વખત કુલપતિ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના મુખ્ય અતિથિપદે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિદ્યાપીઠમાં ટ્રસ્ટીઓ બદલાયા બાદ ગાંધી વિચારધારાને સતત વળગી રહેલા સત્તાધીશોની વિચારસરણીમાં પણ સાધારણ ફેરફાર થયો હોવાનું જોવા મળ્યું હતું. અત્યાર સુધી વિદ્યાપીઠમાં યોજાતા પદવીદાન સમારંભમાં સ્ટેજને બાદ કરતાં ટ્રસ્ટીમંડળના સભ્યોને બેસવા માટે ગાદલાંઓ નાખવામાં આવતાં હતા. એટલે કે તમામે નીચે બેસવું પડતું હતું. પહેલી વખત વિદ્યાપીઠે ગાદલાંને તિલાંજલિ આપીને ખુરશીનો સ્વીકાર કરી લીધો હોય તેમ તમામ સભ્યો માટે બેસવાની વ્યવસ્થામાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. આજ રીતે અત્યાર સુધી સમારંભમાં મંડપ બાંધવામાં આવે તેમાં પણ માત્ર ખાદીનો જ ઉપયોગ થાય તેવો આગ્રહ રાખવામાં આવતો હતો. જોકે, પહેલી વખત વિદ્યાપીઠે આ આગ્રહ જતો કરીને નવીનતાને આવકાર આપ્યો હતો. વિદ્યાપીઠનો પ્રોટોકોલ રહ્યો છે કે, માત્ર મેડલ મેળવનારા વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ તમામ ડિગ્રી ધારકોને સ્ટેજ પર બોલાવીને ડિગ્રી એનાયત કરવામાં આવતી હતી. જોકે, આ વખતે માત્ર મેડલધારકોને સ્ટેજ પર બોલાવીને ડિગ્રી એનાયત કર્યા બાદ બાકીના તમામ વિદ્યાર્થીઓને રાજયપાલ-કુલપતિ સાથે ફોટો સેશન કર્યા બાદ પોતાના વર્ગ મોનિટર પાસેથી ડિગ્રીઓ લઇ લેવા સૂચના આપી દેવામાં આવી હતી. આ પ્રકારના નિર્ણયના કારણે અનેક વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ એવો આક્રોશ પણ ઠાલવ્યો હતો કે, સ્ટેજ પર બોલાવીને ડિગ્રી મળશે તેવી આશા સાથે ૨૦૦થી લઇને ૪૦૦ કિલોમીટર દૂરથી આવ્યા હતા. જે તે વર્ગમાંથી ડિગ્રી મેળવી લેવાની સૂચના આપવામાં આવતાં વિદ્યાર્થીઓ ભારે નિરાશ થયા હતા. આ ઉપરાંત બદલાયેલા ટ્રસ્ટીમંડળની અસર હોય તેમ મુખ્ય મહેમાનનું ઢોલ-નગારા, શરણાઇના સૂર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતુ. મહત્ત્વની વાત એે કે, વિદ્યાર્થીઓના આક્રોશ અને નારાજગી અંગે ટ્રસ્ટીમંડળના સભ્યોને પૂછતાં તેઓએ કહ્યું કે, રાજયપાલે યોગ્ય વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી પરંતુ સ્થાનિક સત્તાધીશોની ખામીના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાપીઠમાં યોજાયેલા પદવીદાન સમારંભમાં ૬૧ વિદ્યાર્થીઓને પીએચડી, ૧૦ વિદ્યાર્થીઓને એમ.ફીલ, ૪૩૪ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને ૩૯૭ વિદ્યાર્થીઓને સ્નાતક અને ૫૧ વિદ્યાર્થીઓને પી.જી. ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. ૪૩ વિદ્યાર્થીઓને ૬૨ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને તામ્રપત્ર સહિત પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો…