આપણું ગુજરાત

અમદાવાદ-સુરતમાં ટીઆરબી જવાનોને છૂટા કરાતા વિવાદ વકર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારે નવા વર્ષમાં ટીઆરબી જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેતા વિવાદ વકર્યો છે. સુરત અને અમદાવાદમાં બુધવારે ક્લેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જો નિર્ણય પરત લેવામાં ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સુરત અને અમદાવાદમાં ટીઆરબી જવાનો લડી લેવાના મૂડમાં છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં વાતાવરણ ડહોળાયું છે. હજારો ટીઆરબી જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેતા ટીઆરબી જવાનો આકરા પાણીએ જોવા મળ્યા હતા. અમદાવાદમાં અંદાજે એક હજાર જેટલા ટીઆરબી જવાન ટીઆરબી કર્મચારીઓ વિરોધ તથા ધરણા કરવા માટે કલેકટર ઓફિસે પહોંચ્યા હતા. ટીઆરબી કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. સુરતમાં રાજ્ય સરકારના આદેશના પગલે રાજ્ય પોલીસ વડા દ્વારા માનદ સેવા આપી રહેલા વર્ષો જૂના ૬,૦૦૦ થી વધુ ટીઆરપી જવાનોને છૂટા કરવાના પરિપત્ર સામે બુધવારે સુરત જિલ્લા કલેકટર કચેરીએ ટીઆરબી જવાનો મોરચો લઈ પહોંચ્યા હતા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ટીઆરબી જવાનોને છૂટા કરવાના પરિપત્રને પરત ખેંચવાની માંગ સાથે ટીઆરબી જવાનો દ્વારા નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યાં સુરત જિલ્લા કલેકટર કચેરી પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ટીઆરબી જવાનોના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આ મામલે લેખિતમાં આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને પરત ખેંચવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પરિપત્ર પરત નહીં ખેંચવામાં આવે તો ટીઆરબી જવાનોની સાથે પરિવારના સભ્યો પણ રસ્તા પર ઉતરશે તેવી ચિંતા કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button