અમદાવાદ-અયોધ્યા વચ્ચે ૧૧ જાન્યુઆરીથી સીધી ફ્લાઇટ શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અયોધ્યામાં આગામી તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આ ભવ્ય સમારંભમાં સામેલ થવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતાઓને પગલે વિવિધ જગ્યાથી ડાયરેક્ટ ફ્લાઇટો શરૂ કરવાનો નિર્ણય વિવિધ એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યો છે. તા.૧૧મી જાન્યુઆરીથી અમદાવાદ-અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય ખાનગી એરલાઇન્સ કંપનીએ કર્યો છે જેનું બુકિંગ પણ ઓનલાઇન શરૂ થયું છે. હાલ અયોધ્યાનું ભાડું ૩,૯૯૯ રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદથી આ ફ્લાઇટ સવારે ૯.૧૦ વાગે ઉપડશે. જ્યારે અયોધ્યાથી સવારે ૧૧.૩૦ વાગ્યે ઉપડશે. આ ડાયરેક્ટ ફ્લાઇટમાં માત્ર ૧ કલાક ૫૦ મિનિટમાં પહોંચી શકાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અયોધ્યા માટે દિલ્હીથી ઉદઘાટન ફ્લાઈટ તા.૩૦મીએ અયોધ્યા એરપોર્ટ પર લેન્ડ કરશે. ત્યારબાદ તા.૬ઠ્ઠી જાન્યુઆરીથી દિલ્હી-અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઈટ માટે કોમર્શિયલ કામગીરી શરૂ કરાશે. જે બાદ તા.૧૧મી જાન્યુઆરી ૨૦૨૪થી અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઇટ શરૂ થશે. અમદાવાદથી અયોધ્યા માટે ફલાઇટ નં ૬ઈ ૬૩૭૫ મંગળ, ગુરુ અને શનિવારે ફલાઇટ તા.૧૧મી જાન્યુઆરીથી સવારે ૯.૧૦ વાગ્યે ઉડાન ભરશે. આ જ રીતે અયોધ્યાથી અમદાવાદ માટે ફલાઇટ નં ૬ઈ ૧૧૨ મંગળ, ગુરુ અને શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે ઉડાન ભરશે જે અમદાવાદ એરપોર્ટ પર બપોરે ૧૩.૪૦ વાગ્યે લેન્ડ થશે.