આપણું ગુજરાત

Vadodara Loksabha પરથી આ અભિનેત્રી લડશે?

અમદાવાદઃ લોકસભાની બેઠકોની પહેલી યાદીમાં જ ભાજપે (BJP) ગુજરાતની 15 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરી આ 15 ઉમેદવારને તો કામે લગાડી દીધા, પરંતુ તેના કરતા વધારે ચિંતા કે ધલવલાટ હવે બાકીની 11 જગ્યા પરના ઈચ્છુકોને થઈ રહ્યો છે. ગુજરાતની 26 બેઠકમાંથી 11 બેઠક પર ભાજપ ઉમેદવારોના નામ બે-ત્રણ દિવસ બાદ જાહેર કરે તેવી સંભાવના છે એટલે ત્યાં સુધી અફવાઓનું બજાર ગરમાયા કરશે અને સંભવિત ઉમેદવારોની અટકળો ચાલ્યા કરશે. આવી જ એક અટકળ વડોદરાની બેઠકને લઈને ચાલી રહી છે. આ બેઠક પરથી એક અભિનેત્રી ઉમેદવાર તરીકે જાહેર થાય તેવી સંભાવના છે. જોકે આ અભિનેત્રી રાજકારણમાં ઝંપલાવી ચૂકી છે અને ભાજપની ટિકિટ પરથી લડી પણ ચૂકી છે. તેમનું નામ છે દીપિકા ચિખલીયા (Dipika Chikhaliya). રામાયણ સિરિયલ (Ramayan Serial)માં સીતાનું પાત્ર ભજવી ચૂકેલી આ અભિનેત્રીને ફરી વડોદરા લોકસભા બેઠક પરથી ઉમેદવારી આપવામા આવે તેમ માનવામાં આવે છે.

દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ધાર્મિક માહોલ છે. સીતાનું પાત્ર ભજવનારા દીપિકાને અહીંથી ઉમેદવારી આપી શકાય અને આ રીતે સ્ટાર પ્રચારક તરીકે પણ તેમની પાસેથી કામ લઈ શકાય તેમ છે. દીપિકા આ બેઠક પરથી અગાઉ ચૂંટણી લડી જીતી ચૂક્યા છે. જોકે આ બેઠક પરથી વિદેશ પ્રધાન એસ. જયશંકર અને પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના નામ પણ ઉમેદવાર તરીકે લેવાઈ રહ્યા છે.


બીજી બાજુ છોટા ઉદેપુરથી નારાણ રાઠવા અથવા તેના પુત્ર સંગ્રામ રાઠવાને ટિકિટ આપવી જરૂરી બની ગઈ છે. બન્ને તાજેતરમાં જ કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. વડોદરા અને છોટા ઉદેપુરના વર્તમાન સાંસદ અનુક્રમે રંજના ભટ્ટ અને ગીતા રાઠોડથી પક્ષ નારાજ હોય અને તેમને ફરી ટિકિટ ન આપવાનો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે સત્તાવાર યાદી બહાર નહીં આવે ત્યાં સુધી વિવિધ નામ ચર્ચાયા કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button