આપણું ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર

હવે દિલીપ સંઘાણી કરાવશે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ‘મનમેળ’

રાજકોટ: સૌરાષ્ટ્રના લેઉઆ પટેલ સમાજના બે મોટા આગેવાનો ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જેતપુરના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડીયા વચ્ચે ચાલતા શીતયુદ્ધને સમુંસૂતરું પાર પાડવાની જવાબદારી સહકારી નેતા દિલીપ સંઘાણીએ લીધી છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને વચ્ચેના સબંધમાં આવેલી ખટાશ બાદ બંનેએ એકબીજા સામે આરોપ પ્રત્યારોપ કર્યા હતા.

ઇફ્કોના ચેરમેન તેમજ સહકારી નેતા દિલીપ સંઘાણીએ હવે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સમાધાન કરાવવાનું બીડું ઝડપ્યું છે. તે બંને વચ્ચેના સમાધાનને લઈને ખુદ દિલીપ સંઘાણીએ જ નિવેદન આપ્યું છે. રાજકોટના પાટીદાર સમાજના એક સમારોહમાં દિલીપ સંઘાણી અને નરેશ પટેલ સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે બંને વચ્ચે વાતચિત થઈ ગઈ છે અને બંનેએ પોઝિટિવ સંકેતો આપ્યા છે. આ સંજોગોમાં કોઇ ગંભીર મુદ્દો જણાતો નથી અને આવતા થોડા દિવસોમાં બન્ને નેતાઓને એક સાથે બેસાડીશ અને કોઇ ફરિયાદ કે વાંધો હોય તો તેનું સમાધાન કરાવી દેવાશે.

જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને લેઉવા પાટીદાર સમાજના મોટા નેતા છે. પરંતુ તેમ છતાં ઇફ્કોની ચૂંટણીના સમયથી સબંધો બગડવાની શરૂઆત થઈ હતી. ઈફકોની ચૂંટણીમાં ભાજપે અમિત શાહના ખાસ ગણાતા અને ખોડલધામના ટ્રસ્ટી બિપીન ગોતાને મેન્ડેટ આપ્યો હતો, અને આ ચૂંટણીમાં જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભર્યું હતું અને પરત ખેંચ્યું ન હતું. ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી.

જો કે આ દરમિયાન નરેશ પટેલ અને તેના અંગત કાર્યકરોએ આ ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની વાત કરી હતી. આથી સહકારી મંડળીના આગેવાનોએ નરેશ પટેલની નજીકના ગણાતા દિનેશ કુંભાણીની કંપનીનું ખાતર લેવાનું બંધ કરી દીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button