રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતથી ભાજપને ફાયદો થશે, ગુજરાતીઓ તેના ભાષણની મજા લેશેઃ દિલીપ સંઘાણી | મુંબઈ સમાચાર

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતથી ભાજપને ફાયદો થશે, ગુજરાતીઓ તેના ભાષણની મજા લેશેઃ દિલીપ સંઘાણી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ એક કાર્યક્રમમાં ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતની મુલાકાત લેશે એટલો જ ભારતીય જનતા પાર્ટીને લાભ થશે. ક્યારે ક્યાં શું બોલવું તેની ખબર નથી. તેમના સલાહકાર જે લખીને આપે તે બોલે છે. લોકોની સુરક્ષા અને સલામતી કેવી રીતે આવશે તે અંગેની તેમને સમજ નથી. ગુજરાતીઓ તેમના ભાષણની મજા લેશે. રાહુલ ગાંધીએ અમિત ચાવડાની પસંદગી કરી છે તે બાબતે હું એટલું જ કહેવા માગું છું કે તેમણે જંગના ઘોડાની પસંદગી કરી છે કે લંગડા ઘોડાની પસંદગી કરી છે તેનો જવાબ તો તેઓ જ આપી શકશે.

કેજરીવાલના ગુજરાતના પ્રવાસને લઈને પોતાનું નિવેદન આપ્યું કે કેજરીવાલએ દિલ્હીમાં દારૂના છૂટથી વેચાણ માટે જે નીતિ જાહેર કરી તેને કારણે ત્યાંની પ્રજાએ તેમને કઈ સ્થિતિમાં મૂકી છે તે આપણે સૌ જાણીએ છીએ. ગુજરાત મહાત્મા ગાંધીનું છે. પંજાબમાં જે રીતે ડ્રગ્સનું વેચાણ થાય છે. એમાં આમ આદમી પાર્ટીની શું ભૂમિકા છે એ સૌ કોઈ જાણે છે. જરીવાલ આવે તો તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર પટેલ સાહેબના દર્શન કરવા જોઈએ સોમનાથના દર્શન કરવા જોઈએ.

આ પણ વાંચો: દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટની રાહત! 400 કરોડનાં કથિત ફિશરીઝ કૌભાંડમાં કોર્ટે કર્યા ચાર્જમુક્ત

રાજ ઠાકરેના નિવેદન પર શું કહ્યું

આ ઉપરાંત દિલીપ સંઘાણીએ રાજ ઠાકરેએ સરદાર પટેલ પર આપેલા નિવેદનને લઈ કહ્યું, સરદાર પટેલ અનેક રજવાડાઓને એક કરીને ભારત બનાવ્યું હતું. હૈદરાબાદ અને જૂનાગઢને ભારતમાં જોડવા એ સરદાર પટેલની કુનેહનું પરિણામ હતું. એકમાત્ર કાશ્મીરને નેહરુએ જોડવાનો પ્રયાસ કર્યો હતો. સરદાર પટેલ રાષ્ટ્ર પ્રેમી હતા. સરદાર પટેલે જે નકશો બનાવ્યો છે તેમાં મુંબઈ, કલકત્તા, હૈદરાબાદના નામનો ઉલ્લેખ થાય છે. સરદાર પટેલે સર્વસ્વ રાષ્ટ્રની અર્પિત કર્યો હતો. તેમના દીકરી નાયબ વડા પ્રધાનના દીકરી હોવા છતા સાદગીભર્યું જીવન જીવ્યા હતા. આ બધી વાતોને દેશના યુવાનો સમક્ષ મૂકવી જોઈએ. જેને બદલે અત્યારે જે સરદાર પટેલ અંગે જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે તેમની સંકુચિત માનસિકતા લોકો સમક્ષ મૂકી રહ્યા છે. આ પ્રકારના જાહેર જીવનમાં રહેતા વ્યક્તિઓ જ્યારે નિવેદન કરે છે ત્યારે તે ધિક્કારને પાત્ર છે.

સાબરડેરી વિવાદ પર શું બોલ્યા સંઘાણી

દિલીપ સંઘાણીએ સાબરડેરી અને પશુપાલકો વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે કહ્યું હતું કે, પશુપાલકોની માગ વાજબી છે. પરંતુ, તેઓ દ્વારા જે દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવે છે તે યોગ્ય નથી. ડેરીઓ દ્વારા અન્ય રાજ્યમાંથી જે દૂધ મંગાવી પાવડર કરવામાં આવે છે અને તે પાવડર પડ્યો રહે છે તેના કારણે જે મુશ્કેલી સર્જાય છે તે બાબતે સરકારે યોગ્ય તપાસ કરવાની પણ માગ કરી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button