જર્જરિત બ્રિજ મુદ્દે તંત્ર સફાળું જાગ્યું: અમદાવાદ-ભાવનગર હાઈવે પરનો વલભીપુર બ્રિજ ભારે વાહનો માટે બંધ…

અમદાવાદ: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રીજની ચકાસણી કરવાનો સરકારે આદેશ કર્યો છે તેમ છતાં અનેક બિસ્માર પુલ પર વાહનવ્યવહાર ચાલી રહ્યો હતો. અમદાવાદ-ભાવનગર સ્ટેટ હાઇવે પર આવેલ વલભીપુર બ્રાંચ કેનાલ ઉપરના પુલ જર્જરિત હાલતમાં હોય તે અંગેના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા. જો કે ત્યાર બાદ તંત્રની આંખ ઉઘડી છે અને હવે નવો બ્રિજ બને નહીં ત્યાં સુધી આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
વલભીપુર બ્રાન્ચ કેનાલ બ્રિજ અવરજવર માટે બંધ
મળતી વિગતો અનુસાર અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને અમદાવાદ અને ભાવનગરને જોડતા સ્ટેટ હાઈવે નંબર 01 પર આવેલા વલભીપુર બ્રાન્ચ કેનાલ બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિ., ધંધુકાના પત્ર અનુસાર, આ પુલ ક્રિટિકલ પરિસ્થિતિમાં હોવાથી અને નવા બ્રિજનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી તેની પર વાહનોની અવરજવર જોખમી છે.
90 દિવસ માટે પ્રતિબંધ રહેશે
જાહેરનામાની વિગતો અનુસાર 14 જુલાઈથી 11મી ઓક્ટોબર સુધી કુલ 90 દિવસ માટે આ પ્રતિબંધ લાગુ રહેશે. તે સિવાય પ્રતિબંધિત વિસ્તારમાં ચેઇનેજ 102.500 કિલોમીટરથી 102.650 km વચ્ચે આવેલો વલભીપુર બ્રાન્ચ કેનાલ ઉપરનો પુલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ
ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ તરીકે ભગોદરા-ફેદરાથી ધંધુકા તરફ આવવા માંગતા તથા વટામણ-પીપળી-ફેદરાથી ધંધુકા તરફ આવવા માંગતા વાહનો ફેદરાથી પીપળી થઈ ધોલેરા થઈ ધંધુકા તરફ આવી શકશે. લીંબડી તરફથી આવતા અને ધંધુકા થઈ ફેદરા-પીપળી તરફ જવા માંગતા વાહનો ધંધુકા-લીંબડી ત્રણ રસ્તા થઈ રાણપુર સર્કલ થઈ ધોલેરા ત્રણ રસ્તા થઈ ધોલેરા થઈ પીપળીથી ફેદરા-અમદાવાદ જઈ શકશે.
તે ઉપરાંત, પાળીયાદ-રાણપુર તરફથી આવતા અને ધંધુકા થઈ બગોદરા-અમદાવાદ, પીપળી-વટામણ તરફ જવા માંગતા વાહનો ધંધુકા-રાણપુર સર્કલ થઈ ધોલેરા ત્રણ રસ્તા થઈ ધોલેરા થઈ પીપળી થઈ અમદાવાદ તથા વટામણ તરફ જઈ શકશે તેમ જ પાળીયાદ-રાણપુર તરફથી લીંબડી થઈ અમદાવાદ-વટામણ તરફ જઈ શકશે. વલ્લભીપુર-બરવાળા તરફથી આવતા અને ધંધુકા થઈ ભગોદરા-અમદાવાદ, પીપળી, વટામણ તરફ જવા માંગતા વાહનો ધંધુકા-ધોલેરા ત્રણ રસ્તાથી ધોલેરા થઈ પીપળી થઈ અમદાવાદ તથા વટામણ તરફ જઈ શકશે.