જામનગર ખાતે ત્રણ પેઢી એક સાથે સંયમ જીવનના માર્ગે…
દાદા, પિતા અને પૌત્રએ એક સાથે દિક્ષા લીધી હોય એવો ગુજરાતમાં પ્રથમ પ્રસંગ
જુનાગઢ: જૈન સમાજમાં અત્યંત દુર્લભ અને ઐતિહાસિક પળ જુનાગઢ ખાતેના ગિરનાર દર્શન જૈનધર્મશાળામાં જોવા મળી હતી. ગત બુધવારે જામનગરના સમૃદ્ધ પરિવારની ત્રણ પેઢીએ એક સાથે સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. જામનગરના 80 વર્ષીય અજીતકુમાર શાહ જે એક સમયે GEBમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા, તેને બિઝનેસ મેન પુત્ર અને CA નો અભ્યાસ કરતાં પૌત્રએ એક સાથે દિક્ષા લેતા જામનગર દિક્ષાર્થીનો જય જયકાર કરવામાં આવ્યો હતો
દિક્ષા લેનાર અજીતકુમારના પુત્ર કૌશિક શાહની ઉંમર 52 વર્ષની છે જે બ્રાસપાટના સપ્લાયર તરીકે કાર્યરત હતા અને પૌત્ર વિરલ શાહની ઉંમર 25 વર્ષની છે જે CA ફાઇનલનો અભ્યાસ કરી રહ્યો હતો. આપને જણાવી દઈએ કે આ પહેલાં આ જ પરિવારની એક મહિલાએ ડાયમંડ સિટી ગણાતા સુરતમાં દિક્ષાગ્રહણ કરી હતી અને ત્યાર બાદ જ તેમનો દિક્ષા લેવાનો નિર્ણય દ્રઢ થયો હતો.
ગત બુધવારે જુનાગઢ ગિરનાર દર્શન ધર્મશાળા ખાતે આજીવન આયંબિલધારી અને આચાર્ય હેમવલ્લભસુરીજી મહારાજ અને આચાર્ય જગતશેખર મહારાજની નિશ્રામાં દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. દીક્ષા લીધા બાદ તેમના નામ અનુક્રમે વલ્લભવિજયજી (અજિતભાઈ), આજ્ઞાવલ્લભવિજયજી(કૌશિકભાઈ) અને વિદ્યા વલ્લભવિજયજી (વિરલ) તરીકે રાખવામાં આવ્યા છે.
આ પવન પ્રસંગના મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો સાક્ષી બન્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે પિતા-પુત્ર અને પૌત્રએ એક સાથે દિક્ષા લીધી હોય તેવો ગુજરાતનો આ પ્રથમ પ્રસંગ છે.