મુંદરા પોર્ટ પર ડીઝલની દાણચોરીનો પર્દાફાશ: 14 કરોડનું 2,350 મેટ્રિક ટન ડીઝલ જપ્ત કર્યું | મુંબઈ સમાચાર

મુંદરા પોર્ટ પર ડીઝલની દાણચોરીનો પર્દાફાશ: 14 કરોડનું 2,350 મેટ્રિક ટન ડીઝલ જપ્ત કર્યું

ભુજ: મુંબઈ સ્થિત ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે દુબઇથી મુંદરા અદાણી બંદરે હેવી એરોમેટિક ઓઈલના નામે આવેલા ૧૨૪થી વધારે કન્ટેનરોને અટકાવી, અંદર રહેલા પદાર્થના નમૂના લઈને વડોદરાની એફએસએલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં ડિક્લેર કાર્ગો તરીકે ડીઝલ નીકળતાં ડી. આર. આઈએ આયાતકારના ડાયરેક્ટરની ધરપકડ કરી હતી. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડી.આર.આઈ.) દ્વારા તાજેતરમાં મુંદરા અદાણી બંદરે આવેલાં ૧૫૦થી ૨૦૦ જેટલાં શંકાસ્પદ કન્ટેનર અટકાવવામાં આવ્યાં હતાં.

તપાસ બાદ આ કન્ટેનરોમાં એમ.એચ.ઓ.નાં નામે કંડલા સેઝમાં અત્રેની જી.કે.એન કંપની દ્વારા હાઈસ્પીડ ડીઝલની આયાત કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આયાત કરાયેલો જથ્થો એમ.એચ.ઓ. નહીં પણ ડીઝલ હોવાનો અહેવાલ આવ્યા બાદ ડી.આર.આઈ. દિલ્હીની ટુકડી દ્વારા કંપનીના એમ. ડી. શ્રીનિવાસનને દિલ્હી પૂછપરછ માટે બોલાવાયા હતા, ત્યાર બાદ એમ.એચ.ઓ.નાં નામે ડીઝલ મગાવીને કરોડોની કિંમતની ડયૂટી ચોરીનો કારસો રચાયો હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મુંદરા બંદરેથી પ્રતિબંધિત નશાકારક સિરપની ૧.૮૦ લાખ બોટલ ઝડપાઈ…

ધરપકડ બાદ તેમને મુંદરા કોર્ટમાં રજૂ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. આ શખસના યુનિટમાં દર મહિને અંદાજિત ૧૦૦૦૦ મેટ્રિક ટનથી વધારેની આયાત થતી હતી. ડી.આર.આઈ દ્વારા કુલ ૨૩૫૦ મેટ્રિક ટન જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ૧૪ કરોડ થવા જાય છે.

આ કાર્ગો કન્ટેનરની અંદર ફુગ્ગો (ફ્લેક્સી બલૂન)માં લઈ આવે છે, જ્યારે તેનું હેન્ડલિંગ કરવાની મોટા ભાગના સીએફએસ પાસે પરવાનગી નથી છતાં બેરોકટોક અહીં લાવવામાં આવતા હતા.

આ પણ વાંચો: `લાલ’ રેતીના ‘કાળા’ કારોબારનો પર્દાફાશ, મુંદરા બંદરેથી રૂ. ૫૦ કરોડનો લાલ રેતીનો જથ્થો જપ્ત કરાયો

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ એક ખાનગી સીએફએસમાં એક કન્ટેનરમાંથી જ્વલનશીલ ઓઈલનો રિસાવ થયો હતો પણ મુંદરા કસ્ટમે જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરી ન હતી. વધુ એક બનાવમાં પ્રાગપર પાસે આવાં કન્ટેનરમાંથી માર્ગ અકસ્માત દરમિયાન અત્યંત જ્વલનશીલ ઓઇલ ઢોળાયું હતું.

મુંદરા કમિશનરે એક જાહેરનામું બહાર પાડી આવા કન્ટેનર અંદર ફુગ્ગા (ફ્લેક્સી બલૂન )માં ઓઈલ ભરી લવાતાં કન્ટેનરો મુંદરા પોર્ટ લાવવા મનાઈ ફરમાવી હોવા છતાં આવા કન્ટેનરો કેમ અહીં આવે છે એ સવાલ ઊભો થઇ રહ્યો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button