ધોરાજી નજીક ભાદર નદીમાં કાર ખાબકતા ચારના મોત, ત્રણ મહિલા સહિત એક પુરુષે જીવ ગુમાવ્યો, જુઓ Video
રાજકોટ: ગુજરાતમાં અવાર નવાર રોડ અકસ્માતના અહેવાલો બહાર આવતા રહે છે. તેવામાં આજે રાજકોટ જીલ્લામાંથી પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારને અકસ્માત નડી જતાં ચાર લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે (Dhoraji Car accident). કારમાં સવાર આ પરિવાર ઊંચા પુલ પરથી નદીમાં કાર ખાબકતા ચાર લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા.
ધોરાજીનો પરિવાર ઉપલેટા બાજુથી ધોરાજી તરફ જતો હતો ત્યારે તેમની કાર ભાદર-2 નદીમાં ખાબકી હતી. અકસ્માત થતાં જ કાર પાણીમાં ડૂબી હતી અને કારમાં સવાર ત્રણ મહિલા સહિત એક પુરુષ નદીમાં ડૂબ્યા હતા અને બાદમાં મૃત્યુ પામ્યા હતા.
અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને બચાવ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને તરવૈયાઓની ટીમે મહામહેનતે અકસ્માતનો ભોગ બનેલા લોકોને બહાર કાઢ્યા હતા. ભોગ બનનાર ત્રણ મહિલા અને એક પુરુષને ધોરાજી સરકારી હોસ્પિટલે ખસેડયા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
સમાચાર મળતાની સાથે જ પરિવારજનોના ટોળે ટોળા હોસ્પિટલમાં એકઠા થયા હતા અને રુદનથી હોસ્પિટલ ગજાવી હતી. આ ઘટનાને લઈને ધોરાજી પંથકમાં અરેરાટી ફેલાય ગઈ છે. સૂત્રો તરફથી મૃતકોની યાદી પર નજર કરીએ તો સંગીતાબેન કોયાણી (55), લીલાવંતી બેન ઠુંમ્મર (52), દિનેશભાઈ ઠુંમ્મર (55), અને હાર્દિકા બેન ઠુંમ્મર (22)નો સમાવેશ થાય છે.