પક્ષીપ્રેમીઓ માટે મહત્ત્વના સમાચારઃ ધોલેરામાં પક્ષીઓની 171 અને પતંગિયાની 25 પ્રજાતિ મળી

અમદાવાદઃ પ્રકૃતિ નિરીક્ષકો દ્વારા બે દિવસ સુધી ધોલેરાનો સર્વે કર્યો હતો. જેમાં 171 પ્રજાતિઓના આશરે 50000 પક્ષીઓ તેમજ 25 પ્રજાતિઓની પતંગિયાઓ નોંધાયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિરીક્ષણ કરાયેલા વિસ્તારોમાં મુખ્યત્વે બે પ્રજાતિઓનું પ્રભુત્વ હતું, જે વરુ, શિયાળ, લોમડી, નોળિયા અને કાળિયાર જેવા પ્રાણીઓ માટે યોગ્ય નિવાસસ્થાન છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા એક દાયકામાં 7000 હેક્ટરથી વધુ વિસ્તારમાં મેન્ગ્રોવ્સ વાવવામાં આવ્યા છે, જેનાથી દરિયાઈ જૈવવિવિધતામાં વધુ વધારો થયો છે. કરચલા, ઝીંગા, માછલી, મોલસ્ક અને અન્ય અપૃષ્ઠવંશી પ્રાણીઓની સારી વસ્તી જોવા મળી હતી, જે આ સ્થળને પક્ષીઓ માટે સ્વર્ગ બનાવે છે.
આ પણ વાંચો: કચ્છના ઘોરાડ પક્ષીને બચાવવા સમિતિએ સુપ્રીમ કોર્ટને દરખાસ્ત કરીઃ પાવર સપ્લાઈ કંપનીઓમાં ઉચાટ
ભાગ લેનારા અધિકારીઓએ જણાવ્યું કે, રિપોર્ટ્સ ઈબર્ડ અને આઈનેચરાલિસ્ટ જેવી બર્ડિંગ વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, આ સંખ્યાઓ ધોલેરાના તાલુકાઓમાં રચાયેલા તમામ સાત ઝોનની ચેકલિસ્ટના આધારે લેવામાં આવી હતી. આ જિલ્લો તેની જૈવવિવિધતા માટે જાણીતો છે, અને તે શિકારી પક્ષી, વાડેર્સ અને મેકક્વીન્સ બસ્ટાર્ડ તથા લેસર ફ્લોરિકન જેવી ઓછી જાણીતી પક્ષીઓની પ્રજાતિઓને પણ ટેકો આપે છે.
સૂત્રોએ જણાવ્યું કે, વિવિધ પતંગિયાઓની પ્રજાતિઓ પરના તારણો એક મોટી સિદ્ધિ છે. અભ્યાસ કરાયલું બીજું મહત્ત્વનું પાસું ઘાસની 30 પ્રજાતિઓ, 50 પ્રકારની વનસ્પતિઓ અને વેલ હતા. વનસ્પતિમાં જોવા મળેલી મહત્વની શોધમાં કિડામરી હતી. આ ઉપરાંત વૈજયંતી માળા બનાવવા માટે જેનો ઉપયોગ થાય છે તેવા ઘાસની પ્રજાતિની બીજ પણ મળ્યા હતા.