Tourism: ધોળાવીરામાં ટેન્ટ સિટી બનીને તૈયાર: હડપ્પન થીમ પર બની છે બોલિવૂડ જેવી ટેન્ટ સિટી!
ભુજ: સિંધુ ખીણની સભ્યતા એ ભારતનો પ્રાચીન વારસો છે. વર્તમાન સમયમાં ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી વધુ સ્થળ ગુજરાતમાં આવેલા છે. વિશ્વની સૌથી જૂની નગરીય સંસ્કૃતિ ધરાવતાં ધોળાવીરામાં આ દિવાળીથી પ્રવાસીઓને રહેવાની સુવિધા મળી રહેશે. કચ્છમાં રણ ઉત્સવ અંતર્ગત જ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં શામેલ ધોળાવીરામાં હડપ્પન થીમ પર બોલિવૂડ સેટ સાથેનું ટેન્ટ સિટી તૈયાર થઈ ગયું છે. યુનેસ્કોએ જુલાઈ 2021માં કચ્છ જિલ્લામાં હડપ્પા સભ્યતાના સ્થળ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ તરીકે ઘોષિત કર્યું હતું.
જ્યારે યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ તરીકે ઘોષિત કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ધોળાવીરા સાથે જોડાયેલી પોતાની યાદોને શેર કરતાં કહ્યું હતું કે તેઓ તેમના શાળાના દિવસોમાં પહેલીવાર અહી પ્રવાસે આવ્યા હતા. પછી દાયકાઓ બાદ જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે અહીંની મુલાકાત લીધી હતી. ધોળાવીરામાં પ્રવાસીઓને સુવિધા વધારવા માટે 1લી નવેમ્બરથી ટેન્ટ સિટી શરૂ કરવામાં આવી રહી છે.
ધોળાવીરા ટેન્ટ સિટીના મેનેજર અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે ધોળાવીરા નજીક નવી ટેન્ટ સિટીનું નિર્માણ થઈ ચૂક્યું છે. જેનાથી પ્રવાસીઓ વર્લ્ડ હેરિટેજ સાઈટની એક રોમાંચક મુલાકાત બની રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટેન્ટ સિટીને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે, જે પ્રથમ દ્રષ્ટિએ તો બોલીવુડ અભિનેતા રિતિક રોશનની ફિલ્મનો સેટ જ લાગશે. આ ટેન્ટ સિટીનું નિર્માણ સિંધુ ખીણ સંસ્કૃતિના શહેર લોથલ અને મોહેં જો દડોની થીમ પર કરવામાં આવ્યું છે. ધોળાવીરાની વધુમાં વધુ પ્રવાસીઓ મુલાકાત લે તે માટે ગુજરાત સરકાર કચ્છ રણ ઉત્સવની જેમ જ ધોળાવીરાને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા માંગે છે.
“Road to Heaven”ની મુસાફરીનો લ્હાવો:
કચ્છમાંથી પ્રવાસીઓને ધોળાવીરા સુધી પહોંચવા માટે રોડ ટૂ હેવનનો એક રોમાંચકારી અનુભવ રહેશે.
સફેદ રણની વચ્ચેથી જ એક રસ્તો પસાર થાય છે, જે ધોળાવીરા સુધી પહોંચાડે છે. 29 કિલોમીટર લાંબા આ રોડની એક મુસાફરી પ્રવાસની યાદી મન મસ્તિષ્કમાં નોંધાઈ જવાની છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાનકડા ગામ ધોરડોને ગયા વર્ષે શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધોળીવીરામાં ટેન્ટ સિટી શરૂ થતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.