BJP: અમદાવાદના આ વિધાનસભ્યએ અલ્લાહુ અકબરના નારા લગાવ્યા ને…
અમદાવાદઃ ભારત દેશ બિનસાંપ્રદાયિક છે અને દરેક ધર્મની ભાવનાનું સન્માન કરવુ આપણી સંસકૃતિ છે. આ પરંપરા અનુસાર જ ભાજપના અમદાવાદના બાપુનગરના વિધાનસભ્ય દિનેશ કુશાવાહે અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હતા ને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઝડપથી વાત ફેલાવાનું કારણ એ છે કે તેમનો પક્ષ ભાજપ હિન્દુત્વવાદનો નારો લઈ સત્તા પર આવ્યો છે ત્યારે સ્ટેજ પર જાહેરમાં આ નારા લગાડવાનું લોકોની અપેક્ષા બહારનું છે.
એક અહેવાલ અનુસાર ગુજરાતના અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં આયોજીત ઇતેહાદે મિલ્લત કોન્ફરન્સમાં ભાજપ (BJP)ના ધારાસભ્ય દિનેશ કુશવાહે જાહેર મંચ પરથી નારે તકબીર-અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હતાં. અસ્સલામો અલયકુમ કહીને સંબોધનની શરૂઆત કરી હતી. સોશિયલ મિડીયામાં દિનેશ કુશવાહનો વિડીયો ખુબ વાયરલ થયો છે. હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
તેમના મતવિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને મતદાર છે. આ સાથે ઉત્તર પ્રદેશીઓની પણ મોટી વસતિ અહીં રહે છે. આથી તેમણે ધાર્મિક સંમેલનમાં કહ્યું કે અહીં એક ઘર હિન્દુનું તો એક ઘર મુસ્લિમનું છે. આ સંસ્કૃતિ વચ્ચે લોકો રહે છે. જોકે, કમનસીબે, આજે કેટલાંક લોકોએ ભારતને બે ભાગમાં વહેંચી દીધો છે. તેમણે એ વાતનો ય ઉલ્લેખ કર્યો કે, સમગ્ર વિશ્વમાં ભારતના મુસ્લિમો સૌથી વધુ સુખી છે.
અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વાત કહી હતી. કુશવાહે એમ પણ કહ્યુંકે, હું મતોનુ રાજકારણ કરતો નથી. નહીતર હું આ સંમેલનમાં આવ્યો ન હોત. મે મારી સંસ્કૃતિ અનુસાર મૌલાનાના પગે પડીને આર્શિવાદ પણ લીધા છે. તેમણે વર્લ્ડ કપ ક્રિકેટની પણ વાત કરી અને વધુ વિકેટ લેનાર મોહંમદ શમ્મી મુસ્લિમ હતો અને આ જ આપણા દેશની તાકાત છે તેમ જણાવ્યું હતું.