
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તાર નરોડાના કૃષ્ણનગરમાં અપહરણ અને મારમારીના ગુનામાં કુખ્યાત ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડની લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની પાસે આવેલી હોટલમાં સંતાઈને બેઠેલા ધમા બારડ સોમવારે દબોચી લેવામાં આવ્યો છે. ગત 6ઠ્ઠી સપ્ટેમ્બરે ગાડીની ડીપર મારવા બાબતે ઝઘડો કરીને ધમા બારડે સાગરીતો સાથે મળી અન્ય એક કુખ્યાતના ગુનેગારના પુત્રનું અપહરણ કર્યું હતું. અન્ય ફરાર આરોપીઓની હજુ શોધખોળ ચાલુ છે. કૃષ્ણનગર તેમજ નરોડા વિસ્તારમાં આતંક મચાવનાર ધમા બારડ પોલીસ સામે હાથ જોડતો નજરે પડ્યો હતો.

પોલીસ કમિશનરે આપ્યા કાર્યવાહીના આદેશ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત 6ઠ્ઠી સપ્ટેમ્બરની મોડી રાત્રે બૂટલેગર કિશોર લંગડાનો પુત્ર અજીતસિંહ પોતાની હોટલ બંધ કરીને કૃષ્ણનગર શ્યામ વિહાર ફ્લેટ નજીક કારમાં આવી રહ્યો હતો ત્યારે એક કારમાં આવેલા શખ્સોએ ડીપર કેમ મારે છે? એમ કહી માર માર્યો હતો અને પછી એક બીજી મોટરકારમાં આવેલા શખ્સોએ તેનું અપહરણ કરી લઈ જઇ ફરીથી માર માર્યો હતો. બીજી તરફ બૂટલેગર પિતા કિશોરભાઇને જાણ થતાં બારડ અને તેની ગેંગને શોધવા માટે અડધી રાત્રે નરોડા અને કૃષ્ણનગર વિસ્તારને બાનમાં લીધો હતો. બારડની ગેંગના વાહનોમાં ભારે તોડફોડ કરી હતી. નરોડા પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી. જોકે, સમગ્ર ઘટનાના સીસીટીવી સાથેના ફૂટેજ સોસયલ મિડિયામાં વાયરલ થતાં પોલીસ કમિશનરે આ મામલે કાર્યવાહીની સૂચના આપી હતી.
આ પણ વાંચો : https://bombaysamachar.com/gujarat/gujaratahmedabadnarodacrimepolice-cctv-video/
ધર્મેન્દ્રસિંહ ઉર્ફ ધમા બારડ નર્મદા જિલ્લામાં છુપાયો હોવાની બાતમીના આધારે ઝોન ચાર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)ની ટીમ નર્મદા પહોંચી હતી અને કેવડિયા ખાતે એક હોટલમાં સંતાયેલા ધમા બારડને ઝડપી પાડ્યો હતો. કૃષ્ણનગર પોલીસે ધમા બારડને સાથે રાખીને ઘટનાની શરૂઆતથી અંત સુધીની જગ્યાઓ પર લઇ જઇને સમગ્ર ઘટનાનું રિકસ્ટ્રક્શન કર્યું હતું. જેમાં ધમા બારડ કૃષ્ણનગર પોલીસ આગળ ઘૂંટણીયે પડ્યો હતો તેમજ સમગ્ર વિસ્તારની અંદર હાથ જોડીને માફી માંગતો પણ જોવા મળ્યો હતો. ધમા બારડે પોતાના કરેલા ગુનાની પણ લોકો સામે માફી માંગી હતી.
આ પણ વાંચો :Lulu Group અમદાવાદમાં બનાવશે ભારતનો સૌથી મોટો મોલ, 3000 લોકોને રોજગારી પૂરી પાડશે
ધમા બારડ વિરુદ્ધ અસંખ્ય ગુના
ધમા બારડ વિરુદ્ધ 22થી પણ વધુ ગુના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે ત્યારે નરોડા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન, મારમારી, લૂંટ, ફાયરિંગ, સહિતના ગુનાઓ નોંધાયા છે. અમદાવાદ પોલીસ દ્વારા ધમા બારડને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.