આપણું ગુજરાત

સુરતમાં નવરાત્રિમાં મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી નવરાત્રીનો દબદબાભેર આરંભ થયો છે. નવરાત્રીના પ્રભાતેથી જ સુરતમાં મા અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. માતાજીના મંદિરમાં આરાધના કરતા વડીલોની સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. આજે નવરાત્રીના પહેલા જ દિવસે માતાજીના મંદિરમાં ભક્તો ઊમટી પડ્યા હતા અને તેથી દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવી પડી હતી.સતત નવ દિવસ માતાજીની આરાધના કરવાનો તહેવાર એટલે નવરાત્રી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં નવરાત્રીની ઉજવણી માટે સુરતીઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી માતાજીની આરાધના કરનારા ભક્તોની સંખ્યામાં યંગસ્ટર્સ વધુ માત્રામાં જોવા મળી રહ્યા છે. નવરાત્રીના પહેલા જ દિવસે સુરત શહેરમાં આવેલા મા અંબાના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. નવરાત્રી પહેલા મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વહેલી સવારથી જ માતાજીના મંદિરમાં પૂજા પાઠ પણ શરૂ થઈ ગયા હતા. શહેરના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલા ૪૦૦ વર્ષ જૂના મા અંબાના મંદિર સહિત અનેક માતાજીના મંદિરોમાં આજે વહેલી સવારે જ હજારોની સંખ્યામાં ભક્તો પહોંચી ગયા હતા. આજથી શરૂ થયેલી નવરાત્રીને કારણે અનેક ભક્તો વિવિધ પ્રકારે ઉપવાસ કરશે. કેટલાક ભક્તો એક સમય ભોજન કરીને તો કેટલાક ભક્તો માત્ર ફળ કે પાણી ઉપર નવરાત્રીના ઉપવાસ કરશે. બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જેઓ આ નવ દિવસ સોશિયલ મીડિયાથી દૂર રહીને ડિજિટલ ઉપવાસ કરશે. માતાજીને રિઝવવા માટે ભક્તો પોતાની શક્તિ પ્રમાણે આરાધના કરશે. માતાજીના મંદિરમાં ભક્તોની વધુ ભીડ હોવાથી દર્શનની સુવિધા માટે મંદિરો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button