Diwali 2024: દિવાળી પર સોમનાથમાં ભક્તો કરી શકશે વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન, આજથી ફરી શરૂ થયો લાઈટ એન્ડ સાઉન્ડ શો

Somnath: સનાતન ધર્મમાં સૌભાગ્યની દાયિની દિવાળીના પર્વ પર માતા લક્ષ્મીની પૂજા કરીને એમના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. રિદ્ધિસિદ્ધીના દાતા શ્રી ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સાથે નવા રોજમેળનું પૂજન કરી અને વેપારીઓ અને પરિવારો નવા વર્ષના આર્થિક વ્યવહારોની શરૂઆત કરતા હોય છે.
કેટલા વાગે કરી શકાશે વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન
આ પરંપરાને લોકો માટે સુલભ અને સુખદાયી બનાવના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ડિજિટલ ભારતના વિઝનને અનુસરીને, દેશભરના ભક્તોને ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજન માટે જોડવા માટે વિશેષ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં દિવાળીના દિવસે તા.31/10/2024 અને ગુરુવારના રોજ સાંજે 5:45 થી 7:00 વાગ્યા સુધી સોમનાથ મંદિરમાં દેશભરમાં વસતા ભક્તોના લાભ માટે લક્ષ્મી પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે તેમ સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.
સોમનાથ દાદાના દર્શને આવતા દેશ વિદેશના યાત્રીઓ સમક્ષ સોમનાથ તીર્થના ગૌરવને ઉજાગરકરતો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો 25 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યો છે. આ શોમાં કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની અંતિમલીલા દર્શાવી નિજધામ ગમન કર્યું, કઈ રીતે આ તીર્થ પ્રભાસ કહેવાયું, શું છે ધાર્મિક કથા સહિતની તમામ બાબતોને આધુનિક 3D ટેકનોલોજીના ઉપયોગથી આવરી લેવામાં આવી છે. ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવે છે. પરંતુ દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ફરીથી શો શરૂ કરવામાં આવ્યા છે. શનિવાર – રવિવાર અને તહેવારના દિવસોમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં લઈ બે શો યોજવામાં આવશે.