ભાજપશાસિત દેવગઢ બારિયા નગરપાલિકામાં બબાલઃ પ્રમુખ સામે સાત જ મહિનામાં અવિશ્વાસની દરખાસ્ત

દાહોદઃ દેવગઢ બારિયા નગરપાલિકામાં માત્ર સાત મહિનાના ટૂંકા ગાળામાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)શાસિત પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ વિરૂદ્ધ અપક્ષના આઠ સભ્ય દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવથી સમગ્ર પાલિકામાં ખળભળાટ મચી ગયો હતો.
અપક્ષ સભ્યોએ આરોપ લગાવ્યો કે, દેવગઢ બારિયામાં પાયાની પ્રાથમિક સુવિધા જેવી કે, પાણી, સફાઈ અને રસ્તાનો કામો સમયસર નથી થતા. જેના કારણે રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાયાની સુવિધાઓ ન મળતા વિપક્ષના સભ્યો દ્વારા ચીફ ઓફિસર સમક્ષ ધર્મેશ કલાલ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે, ધર્મેશ કલાલે વિપક્ષના આરોપોને નકાર્યા હતા અને કહ્યું કે, કેટલાક સભ્યોના ગેરવાજબી અને નિયમ વિરૂદ્ધના કામો ન થતા હોવાના કારણે તેમણે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, 7-8 લોકો દ્વારા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આપવામાં આવી હતી. ત્યાર બાદ પ્રમુખને 15 દિવસમાં સભા બોલાવવા માટે જાણ કરી છે. જોકે, આ મુદ્દે પ્રમુખે અવિશ્વાસની દરખાસ્તમાં અમુક સભ્યોની સહી પર અસંમતિ દર્શાવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બાવળા અને દેવગઢ બારિયામાં અકસ્માત, 6 લોકોના મોત, 9 લોકો ઈજાગ્રસ્ત…
આ મુદ્દે પ્રમુખ દ્વારા લેટર આપવામાં આવ્યો છે, જેને લઈને અમે તપાસ હાથ ધરી છે. પ્રમુખને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જો પંદર દિવસમાં સભા બોલાવી તે સભ્યોના મત જીતશે તો પોતાના પદ પર જળવાઈ રહેશે.
પાલિકાના નિયમો અનુસાર આ દરખાસ્ત પસાર કરવા માટે કુલ સભ્યોના બે-તૃતીયાંશ સભ્યોનું સમર્થન મેળવવું ફરજિયાત છે. ચીફ ઓફિસર દ્વારા આગામી 15 દિવસમાં આ દરખાસ્ત પર ચર્ચા કરવા માટે વિશેષ સામાન્ય સભા બોલાવવા માટે પ્રમુખને જાણ કરવામાં આવી હતી. આ દરખાસ્ત હવે ભાજપની આંતરિક એકતા અને અપક્ષ સભ્યોના વલણની કસોટી કરશે.
પાલિકા પ્રમુખે પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે અપક્ષ દ્વારા રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તમાં કોઈ તથ્ય નથી અને તેમની પાસે તમામ પુરાવા રેકોર્ડમાં છે.
તેમણે જણાવ્યું કે સામાન્ય સભા પહેલાં દિવસથી જ વીડિયોગ્રાફી દ્વારા યોજવામાં આવી છે, જે સાબિત કરે છે કે તેમણે મનમાની કરી નથી. તેમણે ટૂંક સમયમાં દરખાસ્તનો પર્દાફાશ કરવાની અને પોતાના પર દબાણ કરનારા લોકોનો ખુલાસો કરવાની જાહેરાત કરી હતી.