દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નો મેપિંગ મતદારો માટે પુરાવા જમા કરાવવા કેમ્પ યોજાશે…

દેવભૂમિ દ્વારકા: પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય ના સંદેશ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પ (ખાસ ઝુંબેશ) તા. ૨૭/૧૨/૨૦૨૫ (શનિવાર), ૨૮/૧૨/૨૦૨૫ (રવિવાર), ૦૩/૦૧/૨૦૨૬ (શનિવાર) અને ૦૪/૦૧/૨૦૨૬ (રવિવાર)ના રોજ યોજાશે. આ દિવસોમાં નાગરિકો સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો તથા ફોટો ચકાસી શકશે અને જરૂરી જણાય તો સુધારા માટે અરજી કરી શકશે.
મતદારો પાસેથી પુરાવા એકત્ર કરવા માટે ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે તથા વિધાનસભા કક્ષાએ પ્રાંત કચેરીઓ તથા તમામ મામલતદાર કચેરીઓ ખાતે શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરો પર જાહેર રજાના દિવસો સિવાય કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન પુરાવા રજૂ કરી શકાશે. ખાસ કરીને નો મેપિંગ શ્રેણીના મતદારો તેમજ નવા મતદારોને ફોર્મ ભરવા માટે આ સેન્ટરનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
નવા મતદાર માટે ફોર્મ- ૬, મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ- ૭ તથા સરનામું અથવા અન્ય વિગતોમાં ફેરફાર કરવા માટે ફોર્મ- ૮ ભરવાનું રહેશે. જેમની ઉંમર તા. ૦૧-૦૧-૨૦૨૬ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ થાય છે તેવા પાત્ર નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મતદાર નોંધણી તથા ફેરફાર માટે ઓનલાઈન સેવાઓ તરીકે વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ પર અરજી કરી શકાશે.



