પ્રતિબંધ છતાં દિવાળીમાં અમદાવાદ-ગાંધીનગરમાં દારૂનું વેચાણ વધશે, જાણો શું છે કારણ?

અમદાવાદઃ ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે જ્યારે પણ માંગો ત્યારે ગમે તે બ્રાન્ડનો દારૂ સહેલાઈ મળી રહે છે. દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પરમિટની દુકાનોમાં આ દિવાળી દરમિયાન દારૂનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં લગભગ 25 ટકા જેટલું વધવાની ધારણા છે, જેનું મુખ્ય કારણ એનઆરઆઇ અને પ્રવાસીઓનો ધસારો છે.
ગુજરાતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાનમાંથી વધુ આવે છે દારુ
સૂત્રોના કહેવા મુજબ, ઘણા મુલાકાતીઓ પ્રતિબંધ વિભાગના કડક નિયમોને કારણે પરેશાન થઈને આખરે બૂટલેગરો પાસેથી નબળી ગુણવત્તાવાળો દારૂના ઊંચા ભાવે ખરીદે છે. આ વર્ષે તહેવારોની લાંબી રજા હોવાથી દારૂના શોખીનોએ પહેલેથી જ સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું, ગુજરાતની પરમિટની દુકાનો માટે દારૂ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી આવે છે. મહારાષ્ટ્રમાંથી સંભવિત ઓછો પુરવઠો અને એનઆરઆઇના આગમનમાં વધારો થવાને કારણે, વેચાણ ગયા વર્ષ કરતાં 20-25 ટકા વધી શકે છે. એનઆરઆઇની સીઝન અને પ્રવાસી પરમિટની માંગને કારણે દિવાળી દરમિયાન વેચાણમાં હંમેશા વધારો થાય છે.
દિવાળી દરમિયાન દરરોજ લગભગ 200 પ્રવાસીઓ ખાલી હાથે પાછા ફરે છે
સૂત્રો મુજબ તહેવારો દરમિયાન બિયરની માંગ વઘારે રહે છે. ત્યારબાદ વ્હિસ્કી અને વોડકાનો નંબર આવે છે. અમદાવાદ અને ગાંધીનગરની હોટલોમાં 27 પરમિટની દુકાનો કાર્યરત છે, પરંતુ સંચાલકો મુજબ ડોક્યુમેંટના કારણે ઘણા પ્રવાસીઓ પાછા ફરે છે.
દિવાળી દરમિયાન દરરોજ લગભગ 200 પ્રવાસીઓ ખાલી હાથે પાછા ફરે છે, જેઓ પછીથી બુટલેગરો પાસેથી મોંઘા ભાવે હલકી ગુણવત્તાનો દારૂ ખરીદે છે. જોકે વધારે એક્સાઇઝ ડ્યુટી, વિશેષ ફી અને વેટના કારણે છૂટક કિંમતો લગભગ બમણી થઈ જાય છે, તેમ છતાં ઘણા લોકો અધિકૃત આઉટલેટ્સ પરથી જ દારૂ, બિયર ખરીદવાનો આગ્રહ રાખે છે.



