ક્ષત્રિય સમાજના વિરોધ છતાં રૂપાલા 16 એપ્રિલના રોજ ભરશે ઉમેદવારી પત્ર
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ સીટ પર ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. ક્ષત્રિયો તેમની ઉમેદવારી રદ્દ કરાવવાને લઈ ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે ત્યારે રૂપાલા તમામ વિરોધ વચ્ચે 16 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. રૂપાલા વાજતે-ગાજતે તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે જશે. આમ ભાજપે ક્ષત્રિયોને તે સંકેત પણ આપી દીધો છે કે તે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે બદલાવવા માગતી નથી.
એક બાજુ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમરૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપ દ્વારા તેમની સભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોક આગામી 16 તારીખે ભાજપે સભાનું આયોજન કર્યું હતું. રૂપાલા 16 તારીખના રોજ ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ભવન પાસે જંગી સભાને સંબોધશે. રૂપાલાની સભા પર સમગ્ર રાજ્યની નજર રહેશે.
આ પણ વાંચો : ધંધુકામાં ક્ષત્રિય સમાજનનું વિરાટ ‘અસ્મિતા મહાસંમેલન’, રૂપાલા સામે લડી લેવાનો કર્યો નિર્ધાર
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓએ લખ્યું છે કે, ‘રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એક વાર મોદી સરકાર !!’. ક્ષત્રિય સમાજના સખત વિરોધ અને વિવાદોની વચ્ચે આ ટ્વીટથી ફરીથી રાજકારણ ગરમાયું છે. ટ્વીટમાં રાજકોટનો મક્કમ નિર્ધાર, ફરી એકવાર મોદી સરકાર, લખવામાં આવ્યુ છે.
ઉલ્લનિય છે કે ક્ષત્રિય સમાજના વ્યાપક વિરોધ છતાં પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં મોટા ભાગનો પ્રચાર પૂર્ણ કરી લીધો છે. તાજેતરમાં જ રૂપાલાના સમર્થનમાં યોજાયેલી બાઈક રેલીમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ જોડાયા હતા. તે જ પ્રકારે પાટીદાર સમાજ પણ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યો છે.