ચોમાસાની વિદાયનો વર્તારો: ગુજરાતમાંસિઝનનો ૧૦૩.૪૧ ટકા વરસાદ વરસ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં જૂન મહિનાથી ૨૬મી સપ્ટેમ્બરની સવાર સુધીમાં મોસમનો સરેરાશ ૧૦૩.૪૧ ટકા એટલે કે ૯૯૬.૪૭ મિ.મી વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં ૭૬૦ મિ.મી એટલે કે ૧૬૩.૮૬ ટકા વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૮૬૬ મિ.મી એટલે કે ૧૨૨.૮૩ ટકા વરસાદ વરસ્યો બાદ હવે હવામાન વિભાગે ચોમાસાની વિદાયનો વર્તારો આપ્યો છે. બીજી બાજુ મંગળવારની સવારે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૩૯ તાલુકામાં હળવાં ઝાપટાં વરસ્યાં હતાં.
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં મંગળવારની સવાર સુધીમાં મોસમનો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૬૯૯.૧૧ મિ.મિ એટલે કે ૯૬.૧૬ ટકા વરસાદ થયો છે જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં સરેરાશ ૭૮૬.૨૩ મિ.મિ એટલે ૯૭.૧૨ ટકા અને સૌરાષ્ટ્રમાં ૮૬૬.૭૮ મિ.મિ. એટલે કે મોસમનો ૧૨૨.૮૩ ટકા સરેરાશ વરસાદ થઇ ચૂક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૧૩૬૯.૭૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જોકે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છ જિલ્લો વરસાદમાં અવ્વલ રહ્યો છે. કચ્છમાં મોસમનો ૭૬૦ મિ.મિ. એટલે કે ૧૬૩.૮૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. રાજ્યના કુલ ૨૫૧ તાલુકામાં મોસમના સરેરાશ વરસાદના આંકડા પર નજર નાખીએ તો કુલ ૩૮ તાલુકામાં ૨૫૧ થી ૫૦૦ મિ.મિ. સુધીનો મોસમનો સરેરાશ વરસાદ નોંધાયો છે જ્યારે ૧૪૨ તાલુકામાં ૫૦૧ થી ૧૦૦૦ મિ.મિ. સુધીનો વરસાદ નોંધાયો હતો અને ૭૧ તાલુકામાં ૧૦૦૦ મિ.મિ. થી વધુ સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે.
ગુજરાતમાં ચાલુ ચોમાસાના મહિના દીઠ વરસેલા વરસાદ પર નજર કરીએ તો જુલાઇ મહિનામાં સૌથી વધુ એટલે ૪૪૮.૭૩ મિ.મિ. વરસાદ વરસ્યો હતો જ્યારે જૂન મહિનામાં ૨૪૨.૯૬ મિ.મિ વરસાદ નોંધાયો હતો. આ વખતે ઓગસ્ટ મહિનો લગભગ નપાણિયો નિવડ્યો હતો. ઓગસ્ટ મહિનામાં માત્ર ૨૫.૪૯ મિ.મિ. જેટલો કંગાળ સરેરાશ વરસાદ પડ્યો હતો. જોકે ઓગસ્ટ મહિનાના વરસાદની ઘટ સપ્ટેમ્બર મહિનામાં પુરાઇ હતી. સપ્ટેમ્બરમાં સરેરાશ ૧૮૯.૨૮ મિ.મિ. વરસાદ વરસી ચૂક્યો છે અને હવે સપ્ટેમ્બર પૂરો થવાની સાથે જ ચોમાસુ પણ ધીમે ધીમે વિદાય લઇ રહ્યું છે.
દરમિયાન રાજસ્થાન તરફથી ચોમાસુ વિદાય થવાની શરૂઆત થઇ છે. આગામી થોડા દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી છે.
બીજી બાજુ સોમવારના સવારના ૬ વાગ્યાથી મંગળવાર સવારના છ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં રાજ્યના ૧૮ જિલ્લાના ૩૯ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના ચોર્યાસી તાલુકામાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે ચોમસાની વિદાયના કાઉન્ટ ડાઉન વચ્ચે પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચમાં સામાન્ય વરસાદની સંભાવના છે. કચ્છ, અમરેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી છે. ભેજના કારણે હાલ વરસાદી માહોલ રહેશે.