એસ.ટીની 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ સાથે 201 નવીન બસોનું પ્રસ્થાન | મુંબઈ સમાચાર

એસ.ટીની 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ સાથે 201 નવીન બસોનું પ્રસ્થાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન-ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 201 નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વાહનવ્યવહાર રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 અને 2023-24માં મળી કુલ 2812 જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન છે. જે પૈકી ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ મળી કુલ 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ બસો 33 જિલ્લાના 78 ડેપો દ્વારા 125 વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા દરરોજ 8000થી વધુ બસોથી રાજ્યમાં કુલ 33 લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરી, 25 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વાર-તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ દોડાવવામાં આવે છે.

સંબંધિત લેખો

Back to top button