”ભરતી માટે વિભાગ, લાખો ઉમેદવારો, તેમ છતાં સરકારે ન કરી ભરતી” કોંગ્રેસનો આરોપ
અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની બસો અને બસ સ્ટેશન સહિતની સમગ્ર સેવામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને સાથે જ આધુનિકીકરણ પણ થઈ રહ્યું છે પરંતુ આ સ્થિતિની વચ્ચે એસટી તંત્રમાં કામર્ચારીઓની ભરતીનો અભાવ, આ ખાલી જગ્યાઓને છુપાવવા માટે જૂના અધિકારીઓને કરારના ધોરણે નિમણુંક આપવામાં આવતી હોવાના અને ગુજરાતના લાખો યુવાઓ સાથે અન્યાય કર્યો હોવાના કોંગ્રેસ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે.
યુવાનોના ભવિષ્ય સાથે રમત:
કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશીએ એસટી વિભાગના અનેક પ્રશ્નોને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે એસ.ટી. નિગમ દ્વારા દોઢ વર્ષમાં ૨૮૦૦ બસોની ખરીદીને વાહવાહી કરતી ભાજપા સરકાર દ્વારા ૪ વર્ષ જેટલો લાંબો સમય થવા છતાં એક પણ ડ્રાઈવર–કંડક્ટરની ભરતી કયા કારણોસર કરવામાં નથી આવે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. વર્ષ 2023 માં જાહેર કરવામાં આવેલી ભરતીમાં ૧,૫૦,૦૦૦ જેટલા યુવાનોએ કંડક્ટર માટે અને ૮૦,૦૦૦ જેટલા યુવાનોએ ડ્રાઈવર પદ માટે અરજી કરી છે, તેમ છતાં લાખો યુવાનોના ભવિષ્યને અંધકારમાં રાખીને સરકારે આ ભરતી નથી કરી તેવો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
નિગમમાં ભરતી માટે છે આખો વિભાગ:
વળી નિગમમાં ભરતી પ્રક્રિયા માટેના વિભાગની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે એસટી નિગમમાં ભરતી પ્રક્રિયા માટે આખો એક વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં તેના અધિકારી / કર્મચારીઓ પણ હોવા છતાં છેલ્લાં ૪ વર્ષ સુધી કઈ કામગીરી કરી તે એક તપાસનો વિષય છે. નિગમે ભરતી ન કરવાની પોતાની નિષ્ક્રિયતા છુપાવવા ફેબ્રુઆરી 2024માં એક પ્રેસ નોટ જારી કરી નિગમના નિવૃત્ત ડ્રાયવર / કંડક્ટરોને કરારના ધોરણે નિમણુંક આપવાની કાર્યવાહી ચાલુ કરેલ છે. નિવૃત થવાની ઉંમરે ફરીથી ફરજ પર રાખવા એ મુસાફરોના જીવના જોખમે સરકારે લીધેલો નિર્ણય હોવાનું મનીષ દોશીએ જણાવ્યું છે.