અડધા કરોડની બોકસાઇટ ચોરીના પ્રકરણમાં ત્રણ શખસો સામે ખાણ ખનીજ વિભાગે ફોજદારી નોંધાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: મુંદરા તાલુકાના કણજર અને માંડવી તાલુકાના ફરાદી ગામમાં ચર્ચાસ્પદ બનેલા બોક્સાઈટ ખનીજની ચોરીના પ્રકરણમાં પ્રાગપર પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આ અંગે ભુજ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખુશાલી ગરવાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી, તપાસકર્તાએ જણાવ્યું હતું કે, બોકસાઇટ ચોરીનો આ બનાવ ગત ૧૩મી સપ્ટેમ્બરના રોજ પ્રકાશમાં આવ્યો હતો જેમાં રોયલ્ટી પાસ પરમિટ વિના પરિવહન કરવામાં આવી રહેલા ૧૯.૫૮ મેટ્રિક ટન જેટલા બોક્સાઈટના જથ્થા સાથેના એક ટ્રેઇલરને ફ્લાઈંગ સ્ક્વોડની ટુકડીએ ઝડપી પાડ્યું હતું. ત્યારબાદ ચાલેલી તપાસમાં દંડ મળી રૂપિયા ૩,૧૭,૧૭૨ની ખનીજ ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ માંડવી તાલુકાના ફરાદી ગામમાં ભુજ ખાણ ખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલા બોક્સાઈટના જથ્થામાંથી કુલ ૩૨૧૮.૧૨૮ મેટ્રિક ટન જેટલા ૪૧ લાખની કિંમતના બોક્સાઈટ ખનીજની બારોબાર ચોરી થઇ હોવાનું સામે આવતા પર્યાવરણીય વળતર અને ફંડની રકમ ૮,૬૧,૬૫૪ તેમજ ટ્રેઇલરમાં પરિવહન કરાયેલું ખનીજ મળી કુલ ૫૨,૮૧,૯૩૯ રૂપિયાની ખનીજ ચોરીના કેસમાં ભુજના માધાપરના પ્રવીણ આહીર તેમજ ટ્રેઇલર નંબર જીજે ૧૨ સીટી ૦૨૩૮ ના માલિક સરસપરના નંદવીર ગોપાલ ખાસા અને ટ્રેઇલરના ચાલક સામે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ત્રણ તેમજ તપાસમાં નીકળે તે આ શખસો સામે ખનીજ વિભાગની વિવિધ કલમો તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અત્રે એ ખાસ નોંધનીય છે કે, ભુજ તાલુકાના નાડાપા ગામમાં ગત એપ્રિલ મહિનામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા બોક્સાઈટ ખનીજના જથ્થાની તપાસ કરતા તેમાં પણ ઘટ જોવા મળી હતી, જો કે આ ચોંકાવનારી ઘટનામાં હજુ સુધી વિભાગ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.