(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જયારે મધ્ય ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતો પર તેની મોટી અસર જોવા મળી છે. વરસાદને કારણે કપાસનો ઊભો પાક બેસી ગયો છે, જયારે બીજી તરફ ખેડૂતોને કપાસનો પોષણક્ષમ ભાવ મળતો નથી.
જેને લઈને જીલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે તેમ જ કરજણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલે કપાસની ખરીદી માટે સીસીઆઈનું કેન્દ્ર વહેલીતકે શરૂ કરવાની માગણી કરતો પત્ર કૃષિપ્રધાનને લખવામાં આવ્યો છે. ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ એક સપ્તાહ સુધી વરસાદી માહોલ રહ્યો હતો. કેટલાક સ્થળે તો કરાં પણ પડ્યા હતા. જેને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. વડોદરા જીલ્લાના મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે, જે ખેતીમાં વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. બીજી તરફ ખેડૂતો કપાસ વેચવા જાય છે ત્યારે તેઓને ઉંચા ભાવ મળતા નથી. છોટાઉદેપુર જીલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો પાસેથી સીધી કપાસની ખરીદી કરવા માટે બોડેલી અને સંખેડામાં સી.સી.આઈ. દ્વારા ખરીદી શરૂ કરી દેવામાં આવી છે, જયારે વડોદરા જિલ્લામાં તેની ખરીદી શરૂ નહિ થતા ખેડૂતો દુવિધામાં મુકાયા છે. ખાનગી વેપારીઓ ખેડૂતોની મજબૂરીનો લાભ લઈને ખૂબજ સસ્તા ભાવે કપાસની ખરીદી કરે છે, જેના કારણે ખેડૂતોને જરૂરી વળતર મળતું નથી. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલે અને ધારાસભ્ય અક્ષય પટેલ દ્ધારા રાજ્ય કૃષિપ્રધાન રાઘવજી પટેલને પત્ર લખીને વડોદરામાં કરજણ ખાતે ખેડૂતો પાસેથી સીધી કપાસની ખરીદી શરૂ થાય તે માટે સી.સી.આઈ.નું કેન્દ્ર શરૂ કરવાની માગ કરી છે.