ગુજરાતના ફેવરિટ હિલ સ્ટેશન ‘માઉન્ટ આબુ’નું નામ બદલવા ઉઠી માંગ, જાણો શું છે કારણ!

માઉન્ટ આબુ: ગુજરાતની સરહદને અડીને આવેલા અને ગુજરાતીઓને ફરવા માટેનું ખાસ આકર્ષણનું સ્થળ એવા માઉન્ટ આબુનું નામ બદલવાણી માંગ ઉઠી છે. માઉન્ટ આબુનું નામ બદલીને ‘આબુરાજ’ કરવાની માંગ સાથે શુક્રવારે માઉન્ટ આબુના શક્તિ માતા મંદિરથી એક વિશાળ આધ્યાત્મિક રેલી કાઢવામાં આવી હતી. રાજપૂત સમાજના અધ્યક્ષ દલપત સિંહ દહિયાના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ રેલીમાં મહિલાઓ અને બાળિકાઓ મોટી સંખ્યામાં પરંપરાગત રાજપૂતી પરિધાનમાં જોડાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 108 કળશ યાત્રા પણ આ આધ્યાત્મિક રેલીનો એક અભિન્ન અંગ હતી. સ્થાનિક સાધુ-સંતોએ પણ આ રેલીને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. શક્તિ માતા મંદિરથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેન્ડ, રોટરી ચોક, ચાચા મ્યુઝિયમ ચોક, આંબેડકર ચોક, એમ.કે. ચોક અને નકી તળાવ થઈને ઉપખંડ કાર્યાલય સુધી પહોંચી હતી. રેલીમાં સામેલ તમામ યુવા સભ્યો પોતાના હાથમાં ‘આબુરાજ’ લખેલી તકતીઓ, બેનરો અને ધ્વજ ફરકાવતા જોવા મળ્યા હતા.

“માઉન્ટ આબુ” એક અંગ્રેજી નામ
આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે ‘માઉન્ટ આબુ’ એ એક અંગ્રેજી નામ છે અને તેને બદલીને ‘આબુરાજ’ કરવામાં આવે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે સ્કંદ પુરાણમાં આબુપર્વતનું નામ ‘આબુરાજ’ નોંધાયેલું છે. આ સ્થળ સપ્ત ઋષિઓની તપોભૂમિ રહ્યું છે. અહીંના તમામ પર્યટન સ્થળો પણ ધાર્મિક મહત્વ ધરાવે છે, જેમ કે અર્બુદા માતા મંદિર (શક્તિપીઠ), દત્તાત્રેય મંદિર, અચલેશ્વર મહાદેવ, બદ્રીનાથ, કેદારનાથ નજીક ઉત્તરજ અને વસિષ્ઠ આશ્રમ વગેરે.
આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગોવર્ધનની જેમ જ ગરમીના દિવસોમાં હજારો ગ્રામવાસીઓ દ્વારા ‘આબુરાજ’ની પરિક્રમા કરવામાં આવે છે. સ્થાનિક લોકો હંમેશા સવારે ‘આબુરાજ’ને નમન કરે છે અને જય આબુરાજનો જયકાર કરે છે. આ ધરતી 33 કોટિ દેવી-દેવતાઓની પૂજ્ય સ્થળી છે. આ રેલી કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સંગઠનો સાથે જોડાયેલા આગેવાનો, સ્થાનિક ગામડાઓના સરપંચો સહિત હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ, પુરુષો, બાળકો, સાધુ-સંતો અને ગ્રામવાસીઓ ઉપરાંત અંતરિયાળ વિસ્તારોનામાંથી પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં કુલ ૧૬ ગામોના નિવાસીઓ અને ૫૩ સંગઠનોએ ભાગ લીધો હતો.
આપણ વાંચો : ફોકસ પ્લસ: માઉન્ટ આબુ ગ્રીષ્મ ઉત્સવ: આદિવાસી રીત-રિવાજો ને લોકરંગી પરંપરાનું ફ્યુઝન