Deesa માં ધોળા દિવસે રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો, 80 લાખની લુંટ
અમદાવાદ : ગુજરાતમાં દિવાળીના તહેવારો સમયે ગુનાખોરી વધી રહી હોવાની અનેક ઘટનાઓ બની રહી છે. જેમાં આજે બનાસકાંઠાના ડીસામાં(Deesa)રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીનો કર્મચારી પાસેથી રુપિયા 80 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. આ સમગ્ર ઘટના મુજબ આંગડિયા પેઢીનો કર્મચારી ટુ વ્હીલર પર નાણાં લઈને જતો હતો. આ દરમિયાન બે શખ્સોએ તેને રોકી રિવોલ્વરની અણીએ 80 લાખ રૂપિયાથી વધુની રકમ છીનવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે.
રિવોલ્વર બતાવી બેગમાં રહેલા નાણાં લૂંટી લીધા
ડીસામાં હવાલાનું કામ કરતા ટીનાભાઇ રાજપૂતના ઘરેથી તેમનો ઓફિસનો માણસ 80 લાખથી વધુની રકમ લઈને ઓફિસ જવા નીકળ્યા હતા. આ દરમિયાન વાડી રોડ પરથી લાલ ચાલી વિસ્તારના રસ્તા પર જતા બે અજાણ્યા શખ્સોએ તેને અટકાવ્યા હતા. આ પછી રિવોલ્વર બતાવી બેગમાં રહેલા નાણાં લૂંટી અને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ડીસા શહેરની ઉત્તર અને દક્ષિણ પોલીસની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લૂંટારાઓને પકડવા માટે નાકાબંધી સહિતની કાર્યવાહી શરૂ કરી છે.