ગુજરાતમાં નવા જંત્રી દરનો અમલ થાય તે પહેલા પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો!

અમદાવાદઃ ગુજરાત સરકારને નવા જંત્રી દર લાગુ કરવા અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. જંત્રીના દરમાં ઘટાડા માટે 6 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યાં છે. તે ઉપરાંત જંત્રી વધારવા માટે 1700 સૂચનો મળ્યાં છે. જેથી સરકારને નવા દરો લાગુ કરવામાં વિલંબ થઈ શકે એમ છે. બીજી તરફ મુખ્યપ્રધાન નવા જંત્રી દરો લાગુ કરવા અંગે સમીક્ષા કરશે. ત્યાર બાદ આખરી નિર્ણય લેવાશે. નવા દર અમલી બને તે પહેલાં જ રાજ્યમાં પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનમાં ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો: મુંબઈમાં પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનમાં ઉછાળો
15 લાખ કરતાં ઓછી પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન
ગુજરાતમાં નવા જંત્રી દરો અમલી કરવાની જાહેરાતને કારણે પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત વર્ષે 18.26 લાખ પ્રોપર્ટી નોંધાઈ હતી તેની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 15 લાખ કરતાં ઓછી પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે. સામાન્ય રીતે માર્ચમાં પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન માટે લોકોની ભીડ વધારે જોવા મળે છે. પરંતુ આ વર્ષે સ્થિતિ કંઈક જુદી જ છે. રાજ્યના સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન વિભાગના સુત્રોએ કહ્યું હતું કે, હાલમાં દિવસમાં માત્ર ચાર પાંચ રજિસ્ટ્રેશન થઈ રહ્યાં છે. જેમાંથી મોટા ભાગે ફ્લેટ અથવા તો ગીરવે રાખવામાં આવેલા મકાનો માટેના હોય છે.
રિયલ એસ્ટેટ માર્કેટમાં નકારાત્મક પ્રભાવ
સુત્રોએ કહ્યું હતું કે, માર્કેટમાં મંદી અને નવા જંત્રી દરોના અમલને લઈ રિયલ એસ્ટેટ માર્કેટમાં નકારાત્મક પ્રભાવ જોવા મળી રહ્યો છે. આંકડાઓ પ્રમાણે 2023-24માં સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીની આવક 5171.97 કરોડ રૂપિયા હતી. જેમાં સ્ટેમ્પ ડ્યુટીનો ફાળો 4447.87 કરોડ રૂપિયા અને રજિસ્ટ્રેશન ફીનો ફાળો 724.10 કરોડ રૂપિયા હતો. તેનાથી વિપરીત 2022-23માં આ ફીની રકમ 8559 કરોડ રૂપિયા હતી. નોંધાયેલા દસ્તાવેજોની સંખ્યાની વાત કરીએ તો, 2023-24માં 1826306 પ્રોપર્ટીના દસ્તાવેજો થયા હતાં. જે ગત વર્ષમાં 1343143 હતાં.