આપણું ગુજરાત

ધોરણ-૧૦ અને ૧૨ની વર્ગદીઠ સરાસરી હાજરીમાં ઘટાડો કરવાનો નિર્ણય

અમદાવાદ: ગુજરાતની ધોરણ-૧૦ અને ૧૨ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યામાં છૂટછાટ આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં પ્રથમ વર્ગ માટે ૩૬ના બદલે ૨૫ વિદ્યાર્થી સંખ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વર્ગ માટે ૨૪ના બદલે ૧૮ વિદ્યાર્થી સંખ્યા જાળવવાની રહેશે. આમ, શહેરી વિસ્તારમાં ૬૦ પ્લસ ૩૬ના બદલે ૪૨પ્લસ ૨૫ વિદ્યાર્થી સંખ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં ૬૦ પ્લસ ૨૪ના બદલે ૪૨ પ્લસ ૧૮ વિદ્યાર્થી સંખ્યા જાળવવા આદેશ કરાયો છે. ગત વર્ષે ધોરણ-૯ અને ૧૧ના વર્ગોમાં વિદ્યાર્થી સંખ્યામાં છૂટછાટની અસર આ વર્ષે ધોરણ-૧૦ અને ૧૨માં જોવા મળતા નિર્ણય કરાયો છે. જોકે, આ નિર્ણય માત્ર વર્ગ ઘટાડા માટે ધ્યાને લેવાનો રહેશે. વર્ગ વધારા માટે અગાઉની જ જોગવાઈનો અમલ કરવા નક્કી કરાયું છે. રાજ્ય શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યની દરેક માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ દીઠ વિદ્યાર્થી સંખ્યા અંગે સરાસરી હાજરી અંગેની નીતિ નક્કી કરવામાં આવેલી છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧૦ અને ૧૨માં ઓછા વિદ્યાર્થીઓના પ્રવેશના લીધે ૨૦૨૨-૨૩ની જેમ ૨૦૨૩-૨૪માં પણ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યામાં છૂટ આપવામાં ન આવે તો વર્ગ ઘટાડાની કાર્યવાહી કરવી પડે તેમ હતી અને તેના કારણે શિક્ષકોના ફાજલ થવાના પ્રશ્ર્ન ઉપસ્થિત થાય તેમ હતા. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં વિદ્યાર્થી સંખ્યા ગ્રામ્ય વિસ્તાર માટે ૬૦ પ્લસ ૨૪ના બદલે ૪૨ પ્લસ ૧૮ તેમજ શહેરી વિસ્તાર માટે ૬૦ પ્લસ ૩૬ના બદલે ૪૨ પ્લસ ૨૫ રાખવા માટે તથા અગાઉના ઠરાવોની અન્ય જોગવાઇ યથાવત રાખવા અંગે મંજૂરી આપવાની કમિશનર શાળાઓની કચેરીએ સરકાર સમક્ષ દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત સરકાર સમક્ષ વિચારણા હેઠળ હતી. દરમિયાન, સરકાર દ્વારા આ દરખાસ્ત પર વિચારણાના અંતે નિર્ણય લેવાયો છે. જે અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ના એક વર્ષ માટે જ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં વિદ્યાર્થી સંખ્યાને ગ્રામ્ય વિસ્તાર માટે ૬૦ પ્લસ ૨૪ના બદલે ૪૨ પ્લસ ૧૮ તેમજ શહેરી વિસ્તાર માટે ૬૦ પ્લસ ૩૬ના બદલે ૪૨ પ્લસ ૨૫ રાખવા શરતોને આધીન એક જ વર્ષ માટે છૂટછાટ આપવામાં આવે છે. છૂટછાટ માટે જે શરતો નક્કી કરાઈ છે, તેમાં આ ઠરાવથી કરવામાં આવેલી જોગવાઈઓ માત્ર વર્ગ ઘટાડા માટે ધ્યાને લેવાની રહેશે. રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ- ૯થી ૧૨ના વર્ગવધારા માટે શિક્ષણ વિભાગના ૨૦૧૧ના ઠરાવથી નિયત થયેલ વિદ્યાર્થી સંખ્યાની જોગવાઈઓ મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button