આપણું ગુજરાત

કાર્તિકી પૂર્ણિમા મેળાના છેલ્લા દિવસે કમોસમીવરસાદને પગલે મેળો મોકૂફ રાખવાનો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદના માવઠાંએ તારાજી સર્જી હતી. ખાસ કરીને સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાતા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળામાં ભારે તારાજીના દૃશ્યો સર્જાયા હતા. વહેલી સવારે કમોસમી માવઠું અને ભારે પવનને કારણે મેળા ગ્રાઉન્ડમાં સ્ટોલ, ડોમ, પોલ સહિતની નુકસાનીના પગલે છેલ્લા દિવસે કાર્તિકી પૂર્ણિમાનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો હતો.

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો ૨૦૨૩ ભારે ઉલ્લાસ અને ઉત્સાહ સાથે સોમનાથ ગીતામંદિર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે મેળાના અંતિમ દિવસે વહેલી સવારે ભારે માત્રામાં કમોસમી વરસાદ અને તોફાની પવનના પગલે મેળા ગ્રાઉન્ડ ખાતે ઊભા કરાયેલ સ્ટોલ, પોલ, ડોમ સહિતની વ્યવસ્થાઓને નુકસાન પહોંચ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ મેળા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહી કામગીરી કરી રહ્યા છે. ત્યારે વેપારીઓ અને મેળામાં આવનાર સેહલાણીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ૨૬મી નવેમ્બર ૨૦૨૩, રવિવારના રોજ કાર્તિકી પૂર્ણિમાનો પાંચમા દિવસનો મેળો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રીતે પાંચ દિવસીય મેળો ૧ દિવસ અગાઉ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે રાત્રે મહાઆરતી માટે શ્રી સોમનાથ મંદિર નિયત કાર્યક્રમ અનુસાર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.

બીજી તરફ વરસાદના પગલે મેળાના ગ્રાઉન્ડમાં ભારે અફડાતફડી સર્જાઇ હતી. વરસાદથી બચવા માટે અમુક પાથરણાવાળા એક સ્ટોલમાં આશરો લેવા ગયા હતા. જે સ્ટોલ જ ધરાશાયી થતાં સ્ટોલના કાટમાળ નીચે એક વૃદ્ધા સહિત ચારથી વધુ લોકો દબાયા હતા. જેઓને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધા સહિત બેને સારવાર માટે ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button