ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકની પાંચ વર્ષની નોકરીને સળંગ ગણવા નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયક તરીકે ફરજ બજાવતા અધ્યાપકોની પાંચ વર્ષની નોકરીને સળંગ કરવાની છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવતી માગણી રાજય સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ બહાર પાડીને કઇ સ્થિતિમાં નોકરી સળંગ ગણવામાં આવશે તે અંગે જાહેરાત કરી દીધી છે. સરકારની આ જાહેરાતના કારણે રાજયના અંદાજે ૧૨૦૦ અધ્યાપકોને લાભ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અધ્યાપક સહાયક પાંચ વર્ષ પછી કાયમી થાય ત્યારે તેની નોકરીને સળંગ ગણવામાં આવતી નહોતી. તાજેતરમાં સ્કૂલો સહિત તમામ વિભાગોમાં શિક્ષક સહાયક કે અન્ય કોઇ સહાયક તરીકે નિયુક્ત થતાં કર્મચારીઓની નોકરી સળંગ ગણવાનો રાજ્ય સરકારે કરેલા નિર્ણયમાં ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકને બાકાત રાખવામાં આવ્યા હતા. આ મુદ્દે અધ્યાપકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવ્યા પછી પણ કોઇ નિર્ણય કરવામાં આવતો નહોતો. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે અધ્યાપાક સહાયકને પાંચ વર્ષની ફિક્સ પગારની સેવાઓને બઢતી, પ્રવરતા, ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો આપવા માટે શરતો નક્કી કરવામાં આવી છે. જેમાં પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર નિવૃત્તિ વિષયક લાભોની ગણતરી માટે જ ધ્યાને લેવામાં આવશે. આ સિવાયના કોઇપણ પ્રકારના સેવાકીય નાણાકીય લાભો મળવાપાત્ર રહેશે નહી. ફિક્સ પગારની સેવા ધ્યાનમાં લેવાના કારણે પગારબાંધણી થતાં નક્કી થતાં પગારનો તફાવત એરીયર્સ રોકડામાં કે અન્ય કોઇપણ રીતે ચૂકવવા પાત્ર થશે નહીં. એટલે કે તા.૩૧મી માર્ચ ૨૦૧૯ સુધીના સમયગાળાનું કોઇ એરિયર્સ મળવાપાત્ર રહેશે નહી. ફિક્સ પગારની સેવાના સમયગાળા માટે કોઇપણ પ્રકારના ઇજાફા ગણતરીમાં, નોશનલના હેતુ માટે પણ ધ્યાને લેવાના રહેશે નહીં. જે કર્મચારીઓને હાલની તારીખે જૂની પેન્શન યોજના લાગુ પડે છે તેઓને જૂની પેન્શન યોજના લાગુ પડશે અને જે કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ પડેલી છે તેમને નવી પેન્શન યોજના ચાલુ રહેશે. ફિક્સ પગારના કારણે પેન્શન યોજનામાં કોઇ ફેરફાર થશે નહીં તેવી સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે.