આપણું ગુજરાત

તાંત્રિકે રૂ. વીસની નોટ બાલટીમાં નાખી ને રૂ. 500 નીકળ્યા પણ …

દુઃખી માણસ ઘણીવાર આસાનીથી ભોળવાઈ જતો હોય છે અને સામે પક્ષે તેને પોતાની જાળમાં ફસાવનારા ગઠિયાઓ એટલા જ શાતિર દિમાગના હોય છે. આવા એક તાંત્રિક અને તેના મળતીયાઓએ જામનગર જિલ્લાના એક દેવાદાર ખેડૂતને લૂંટી લીધો છે. જામનગરના જામજોધપુર તાલુકામાં તાંત્રિક દ્વારા દેવાદાર ખેડૂતના રૂ. દસ લાખ લૂંટી લેવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ફરિયાદમાં અનવર બાપુ નામના એક શખ્શની ધરપકડ પોલીસે કરી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.

ઘટનાની મળતી વિગતો અનુસાર અહીં રહેતા જીતેન્દ્ર કથિરીયા નામના ખેડૂતે પોતાની આર્થિક ભીંસ અને માથે દેવું થયાની સમસ્યા મિત્રને કહી હતી. મિત્રએ તેમને જૂનાગઢ ખાતેના કેશુભાઈ નામના એક શખ્શ સાથે મુલાકાત કરાવી હતી અને તે બાદ તેઓ અનવરબાપુ નામના તાંત્રિકને મળ્યા હતા. તાંત્રિકે તેમની સામે બાલટીમાંથી રૂ. 20ની નોટને રૂ. 500ની કરી બતાવી હોવાનું જાણવા મળ્યું છે.


બાપુએ ખેડૂતને રૂ. 11 લાખની ફી બદલ રૂ. બે કરોડ આપવાની ખાતરી આપી હતી. બાપુનો વિશ્વાસ કરી ખેડૂતે તેમને વિધિ કરવા કહ્યું હતું. બાપુએ જામનગર ખાતે ખેડૂતના પુત્રને ત્યાં વિધિ કરી હતી અને આ સાથે ખેતરમાં સોનાનો ઘડો છુપાયેલો છે, તેમ કહી કલ્યાણપુર ખાતે ખેતરમાં પણ વિધિ કરી હતી.

ખેડૂતે વિધિ માટે નક્કી થયેલા રૂ. 10 લાખ આંગડીયા દ્વારા બાપુને મોકલ્યા હતા. વિધિના ઘણા દિવસો બાદ કોઈ લાભ ન દેખાતા ખેડૂતે બાપુને ફોન કર્યો ત્યારે તેમણે વિધિમાં વિધ્ન આવ્યું છે, તેમ કહી વાત ટાળી હતી અને પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું ધ્યાનમાં આવતા ખેડૂતે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે અનવરબાપુની ધરપકડ કરી હોવાનું અને સાથે સંડોવાયેલા અન્ય શખ્શો ફરાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં પણ આવી ઘટનાઓ બને છે ત્યારે લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button