કચ્છના બન્નીમાં ત્રણ ચિત્તલ હરણના મોત અંગે વન વિભાગનું મૌનઃ આંકડા છુપાવતા હોવાનો આરોપ…

ભુજ: કચ્છના બન્ની પ્રદેશમાં ચિત્તાના અને કાળીયાર પ્રજાતિના હરણના સંવર્ધન કેન્દ્ર બાદ રામપરા વન્યજીવ અભયારણ્યમાંથી પ્રારંભિક તબક્કે લાવવામાં આવેલા 20 જેટલા ચિતલ હરણના ઝુંડમાંના એક ચિત્તલનું શિયાળના હુમલામાં મોત થયાનું વનતંત્રએ જાહેર કર્યું હતું જો કે, હકીકતમાં ફેન્સિંગ વચ્ચે વિચરનારા ચિતલનું ભેદી સંજોગોમાં મૃત્યુ થતાં બન્નીના જાણીતા એક્ટિવિસ્ટ યાકુબ મુતવાએ એક નહીં પણ ત્રણથી વધુ ચિત્તલના મોત થયાના ગંભીર આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચો : કચ્છમાં અપમૃત્યુના વિવિધ બનાવોમાં 5 વર્ષની બાળકી સહિત પાંચ લોકોનાં મોત…
ફેન્સિંગની સુરક્ષા વચ્ચે શિયાળ કેવી રીતે ઘૂસ્યું:
એક્ટિવિસ્ટ યાકુબ મુતવાએ જણાવ્યું છે કે, 100 હેક્ટર જમીન પર ફેન્સિંગ વચ્ચે ગોરેવાલી બાજુ એક વાડામાં ચિતલોને રાખવામાં આવ્યાં હતાં. તેમાં શિયાળ કેવી રીતે ઘૂસી ગયું? હરણના મોત પાછળ શિયાળનો હુમલો જવાબદાર હોય તો આ ફેન્સિંગ અને ચિતલની સુરક્ષા વ્યવસ્થા અંગે જ સવાલ ઊભો થાય છે. શું વન તંત્રને ખબર નહોતી કે આ વિસ્તારમાં શિયાળ છે? જો શિયાળ આ રીતે ચિતલના શિકાર કરતાં રહેશે તો શું વન તંત્ર બધા શિયાળનો ખાત્મો બોલાવી નાખશે? શિયાળ અને હરણની સ્પીડમાં કેટલું અંતર હોય છે? ચિતલના મોત માટે જંગલી શિયાળ પર દોષ ઢોળીને વન વિભાગના અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચાર છૂપાવી રહ્યાં છે તેમ મુતવાએ ઉમેર્યું હતું.
વન વિભાગ છુપાવી રહ્યું છે સાચા આંકડા:
મુતવાએ આરોપ કર્યો છે કે માધ્યમોમાં એક જ ચિતલના મોતને જાહેર કરવામાં આવ્યું છે, હકીકતમાં અત્યાર સુધીમાં ત્રણથી વધુ ચિતલના મોત થઈ ચૂક્યાં છે. વન તંત્રએ ચિતલના મોતનો સાચો આંકડો અને સાચું કારણ જાહેર કરવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાંથી આ ચિતલને અહીં લવાયાં છે તે જૂનાગઢનું ગીર મીઠી અને ગીચ વનસ્પતિઓનું જંગલ છે, જ્યારે બન્ની ઝેરી તત્વોથી ભરપૂર ગાંડા બાવળની જમીન છે. અહીં ભેંસ જેવું મજબૂત જાનવર જ ટકી શકે. ગાંડા બાવળના કારણે બન્નીમાંથી કાંકરેજ ગાય પણ લુપ્ત થઈ ગઈ છે. ત્યારે હરણ અને ચિત્તા જેવા પ્રાણીઓ બન્નીના વાતાવરણમાં કેવી રીતે ટકશે? તે બાબત ધ્યાનમાં લેવા જેવી છે.
વન વિભાગે ધમકી આપ્યાનો આરોપ:
તેમણે આરોપ કર્યો છે કે મૃગના મોત બાબતે બ્રિડિંગ સેન્ટરની મુલાકાત લેવાની વાત કરી ત્યારે રેન્જ ફોરેસ્ટ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કરીને પોલીસ કાર્યવાહીની ધમકી આપી હતી, જયારે ભુજમાં સ્થિત અધિકારી બી.એમ.પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી પરંતુ તેમણે પણ બ્રિડિંગ સેન્ટરમાં જવા માટેની મંજૂરી આપવાની ના પાડી દીધી.
આ પણ વાંચો :ગિરનાર લીલી પરિક્રમા: 48 કલાકમાં 9 લોકોનાં મોત, ડોકટરે યાત્રાળુઓને આપી આવી સલાહ
તંત્ર સામે ઉચ્ચારી ચીમકી:
વન વિભાગ પોલીસની ઓથ લઈને સત્ય હકીકત પર પડદો નાખવાનું કામ કરી રહ્યો છે. જો સબ સલામત છે તો એક જાગૃત નાગરિકને હરણના વિચરણ વિસ્તારમાં જતો શા માટે રોકવામાં આવે છે? જો વન તંત્ર પ્રવેશની મંજૂરી નહીં આપે તો મીડિયા સાથે બન્નીના સૌ આગેવાનો તથા યુવાનોને સાથે રાખીન ચિતલ હરણના ફેન્સિંગવાળા વિસ્તારની મુલાકાત લઈને ચિતલો કેવી પરિસ્થિતિમાં જીવે છે? કેવી રીતે બન્નીના પર્યાવરણથી ટેવાયાં છે તેની હકીકત સરકાર અને તંત્ર સમક્ષ રજૂ કરાશે. ચિત્તા પ્રોજેક્ટ માટે બન્નીના દૂધાળા પશુઓના મોઢામાંથી 100 હેક્ટર જમીન છીનવીને વન વિભાગ આવાં ગતકડાં કરે એ બિલકુલ સાંખી લેવાશે નહીં અને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે.