આપણું ગુજરાત

ગુજરાતમાં હૃદય રોગના જીવલેણ હુમલા: ૨૪ કલાકમાં ૮ લોકોનાં મરણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ લોકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. આ આંકડો હવે ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ લોકોના હૃદયરોગથી નિધન થયા હતા. જેમાં જામનગર જિલ્લાના સેનાનગર વિસ્તારમાં રહેતા રવિ લુણા (ઉ.વ.૨૪) નામના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં હાર્ટ એટેકથી બે ખેડૂતોના મૃત્યુ નિપજ્યાં હતાં. શેરડી ગામના પ્રેમજીભાઈ કણઝારિયાએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો હતો. બીજા કેસમાં શક્તિનગર ગામના રામજીભાઈ નકુમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ખેતરમાં કામ કરતા સમયે બંને ખેડૂતોને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જ્યારે અમરેલી જિલ્લાના રાજુલામાં મોડી રાતે ૨૩ વર્ષના યુવાનને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. નવરાત્રિમાં રામાપીરના આખ્યાન દરમિયાન યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.

મોડી રાત્રે યુવાનને હાર્ટ એટેક આવતા દોડધામ મચી હતી. જેમાં તેનું મોત નિપજ્યું હતું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામથી બાબરા શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ તરફ ઓધડભાઈ મૂંધવા પોતાની છકડો રિક્ષા લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની રિક્ષામાં ત્રણ પેસેન્જર પણ સવાર હતા. રિક્ષા ચલાવતી સમયે ઓધડભાઈને હાર્ટ એટેક આવતા જ રિક્ષા રસ્તાથી નીચે સાઈડમાં ઊતરી ગઈ હતી.

તાત્કાલીક ૧૦૮ દ્વારા ઓધડભાઈને બાબરા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને હાર્ટ એટેકના કારણે મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માંડવા ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા થતા ધરમપુરની સ્ટેટ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

મહિલાની સામાન્ય ડિલિવરી થઈ શકે એમ ન હોવાથી લાંબો સમય રાહ જોવાય તેમ ન હતું. જેથી તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

ઓપરેશન દરમ્યાન બાળકને જન્મ આપ્યા બાદ મહિલાને એટેક આવતા હાર્ટ બંધ થઈ ગયું હતું. જેથી સ્ટેટ હોસ્પિટલના તબીબોએ માહિલાને સીપીઆર આપી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા બચી શકી ન હતી. જ્યારે મહેસાણામાં હોમ ગાર્ડ જવાન પ્રહલાદ રાઠોડ (ઉ.વ.૪૦) ફરજ પર હાજર હતા. તે દરમ્યાન એટેક આવતા મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા.
મહેસાણા સિવિલ બાદ અમદાવાદ સિવિલમાં સારવાર અપાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button