આપણું ગુજરાત

ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણીની સમયમર્યાદા વધારાઈ; આ તારીખ સુધી કરી શકાશે નોંધણી…

અમદાવાદ: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી ઘઉનાં ટેકાના ભાવની ખરીદી માટે માટે નોંધણીની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી તા. 5 એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે.

આ પણ વાંચો : માત્ર કચ્છના બંદરો પરથી વીતેલા પાંચ વર્ષોમાં આટલું ડ્રગ્સ પકડાયુંઃ લોકસભામાં જાહેર થયા આંકડા

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન 2025-26 માટે ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તા. 17 માર્ચથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ગત તા. 01 માર્ચથી તા. 16 માર્ચ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના હજુ પણ કેટલાક ખેડૂતોએ નોંધણી કરાવવાની બાકી રહી જતા રાજ્ય સરકારે નોંધણીની સમયમર્યાદા આગામી તા. 05 એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. બાકી રહી ગયેલા ખેડૂત ખાતેદારો બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય કક્ષાએથી જ VCE મારફત ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

કયા પુરાવાની જરુર?
ગ્રામ્ય કક્ષાએથી ઓનલાઈન નોંધણી માટે ખેડૂત મિત્રોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, 7/12, 8/અ તેમજ પાક વાવણી અંગેની એન્ટ્રી “7/12 કે 8/અ”માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

ખેડૂતોને SMS દ્વારા કરાશે ખરીદી અંગેની જાણ
ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરાવેલા ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે.

આ પણ વાંચો : ગુજરાતભરમાંથી 7612 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર, હવે થશે બુલડોઝર કાર્યવાહી

2425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ
ખેડૂતોને તેમની ઉપજનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જણસીઓના ટેકાના ભાવ જાહેર કરીને ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રવિ માર્કેટીંગ સીઝન 2025-26 માટે ગુજરાતના ખેડૂતો પાસેથી ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત તા. ૧૭ માર્ચથી શુભારંભ કરવામાં આવ્યો છે. ભારત સરકારે ઘઉંમાટે રૂ. 2425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button