રાજકોટ અગ્નિકાંડ બાદ ડે. ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ ACBમાં ફરિયાદ; 80 લાખની છે અપ્રમાણસર મિલકત
રાજકોટ : રાજકોટમાં 26 મેના રોજ સર્જાયેલ TRP ગેમઝોન દુર્ઘટનાને લઈને હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટ મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુદ્ધમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)માં ફરિયાદ નોંધવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા દ્વારા એક પત્રકાર પરિષદમાં કહેવામાં આવ્યું હતું કે ભીખા ઠેબાએ તેમની પાસેથી 70 હજારની લાંચ લીધી હતી. જો કે બાદમાં આ અંગે તેમણે ખુલાસો પણ કર્યો હતો કે સંસદ બન્યા બાદ એ પૈસા તેમને પાછો આપી ગયો હતો.
રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ જવાબદાર અધિકારીઓ સામે ACB પણ તપાસ કરી રહી છે. એસીબીએ ફાયર અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને ત્યાં સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. આજે રાજકોટ તપાસના અંતે રાજકોટ એસીબી દ્વારા મનપાના વર્ગ 2 અધિકારી ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર ભીખા ઠેબા સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તેની ધરપકડ કરીને તપાસ ચાલી રહી છે. એસીબીની તપાસમાં ભીખા ઠેબા પાસે રૂ. 79,94,153 જેટલી અપ્રમાણસર મિલકત મળી હોવાનું સામે આવ્યું છે.
આજે ભીખા ઠેબાની અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે તેમાં 2012 થી લઈને 2024 સુધીના દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલી દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોનું ACBના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જો કે હાલ તો આરોપીએ તેની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના પદનો દુરુપયોગ કરી, ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, અલગ અલગ ભ્રષ્ટ રીતરસમો અને ભ્રષ્ટાચારથી નાણાં મેળવી મિલકતો રોકાણ કર્યાનું સામે આવ્યું છે.
રાજકોટમાં 26 મેના રોજ સર્જાયેલ TRP ગેમઝોન દુર્ઘટનામાં 27 લોકોના મૃત્યુ બાદ તેની પાછળ તંત્રની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. ગેમઝોન ગેરકાયદેસર રીતે ઊભો હતો અને તેમાં ફાયર સેફટી અંગેના નિયમોનું પણ પાલન કરવામાં નહોતું આવ્યું. આ દુર્ઘટનામાં ફાયર ઓફિસર સાથે મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા જવાબદાર છે કે કેમ તે અંગે 1 જૂનથી પૂછપરછ કરવામાં આવી રહી હતી.