ગુજરાતમાં આ તારીખથી થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, લોકોને કાળઝાળ ગરમીથી મળશે રાહત
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યા છે. અસહ્ય ગરમીથી રાહત મેળવવા લોકો હવે મેઘમહેરની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, જો કે હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ થોડાક દિવસો રાજ્યમાં અગનવર્ષા યથાવત રહેશે, અને બાદમાં ચોમાસાનું ગુજરાતમાં વિધિવત રીતે આગમન થઇ જશે.
હવામાન વિભાગ અનુસાર, આ દિવસોમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી છે, અને આંદામાન-નિકોબાર સુધી મૉનસૂન પહોંચ્યુ છે. હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે.
IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 19 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં પ્રવેશ કરશે.આ ઉપરાંત તે જ દિવસે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં પણ પ્રવેશ કરશે. સામાન્ય રીતે દર વર્ષે 22 મેના રોજ ચોમાસું આ ભાગમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે તે તેના ત્રણ દિવસ પહેલા પ્રવેશ કરશે.
હવે આગામી 31 મે સુધીમાં આ મૉનસૂન કેરળ પહોંચશે. આ વર્ષે મૉનસૂન મહારાષ્ટ્રમાં 9થી 16 જૂન વચ્ચે એન્ટ્રી કરશે, અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે, ગુજરાતમાં આગામી મહિને 19 થી 30 જૂન વચ્ચે મેઘમહેર થશે. દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
દેશમાં ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ પહોંચે છે. આ પછી તે સામાન્ય રીતે ઝડપથી ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. હવામાન વિભાગને અપેક્ષા છે કે આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ થશે. ભારતીય હવામાન વિભાગે, 15 એપ્રિલે તેની લાંબા ગાળાની આગાહીમાં જણાવ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં ચોમાસાનો વરસાદ ઔ 5% ની ભૂલના માર્જિન સાથે 106% રહેવાનું અનુમાન છે.