સોમવતી અમાસ નિમિતે દામોદર કુંડ અને કોળિયાક ખાતે ઉમટ્યો ભાવિકોનો મહાસાગર!

જુનાગઢ: આજે શ્રાવણ માસના અંતિમ દિવસે અને સાથે જ સોમવતી અમાસનો સુભગ સમન્વય હોય આજે જૂનાગઢના અતિ પ્રાચીન અને પૌરાણિક દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આજના દિવસે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાંથી દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે.
આ પણ વાંચો : હર હર મહાદેવઃ શ્રાવણ મહિનામાં 500 કરોડ રુપિયાનું ફરાળ ઓહિયા કરી ગયા ભક્તો
અમાસના દિવસે સૌરાષ્ટ્રમાં દામોદર કુંડ અને પ્રાચી તીર્થ ખાતે પિતૃ તર્પણ કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા. લોકવાયકા અનુસાર અહી જ ભગવાન શ્રી કૃષ્ણનું પિંડદાન કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ સિવાય ભક્તકવિ નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ અને તર્પણ પણ ભગવાન શ્રીકૃષ્ણએ દામોદર કુંડ ખાતે કર્યું હતું. આજે સોમવતી અમાસના દિવસે પવિત્ર દામોદર કુંડ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. પિતૃ તર્પણ સહિતની વિધિઓ કરીને પીપળે જળ ચડાવી તમામ આત્માઓના મોક્ષની પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો : કૃષ્ણ એટલે કૃષ્ણ
નિષ્કલંક મહાદેવના દર્શને ઉમટ્યા ભાવિકો:
આજે અમાસના દિવસે ભાવનગરના દરિયાકાંઠે આવેલ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આજના દિવસે સમુદ્રમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. ભાવનગરના કોળિયાક ખાતે ભાદરવી અમાસના દિવસે મેળો યોજાય છે અને અહી સમગ્ર ભારતભરમાંથી અહી ભાવિકો દર્શન કરવા ઉમટે છે. જો કે સમુદ્ર કિનારે મેળાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ભોળાનાથ ભોળા તો હોય જ, અને તેથી બધાના જ ભવતારણ પણ હોય
લોકવાયકા અનુસાર મહાભારતના યુદ્ધ બાદ પોતાના પર લાગેલા પાપને ધોવા માટે પાંડવો એક કાળી ધજા લઈને નીકળ્યા હતા. આ કાળી ધજા સફેદ થાય ત્યારે તેમના પાપ ધોવાઈ જશે તેવું ભગવાન કૃષ્ણએ કહ્યું હતું. જ્યારે તેઓ અહી પહોંચ્યા ત્યારે તેમની ધજા સફેદ થઈ જતાં અહી શિવજીની સ્થાપના કરીને પૂજન કર્યું હતું. પાંડવોએ સ્થાપેલી પાંચ શિવલીંગ અહીં હાલ મૌજુદ છે. ત્યારથી અહી ભાદરવી અમાસના દિવસે લોકમેળાનું આયોજન થાય છે. અહી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.