પારડીમાં અંધશ્રદ્ધાની ઘટનામાં યુવતીના મોત મામલે ચાર લોકો સામે નોંધાઈ ફરિયાદ…

વલસાડ: ગઇકાલે વલસાડના પારડી તાલુકાના પલસાણા ગામે અંધશ્રદ્ધાની ઘટનામાં એક યુવતીનું મોત થયું હતું. યુવતીને માતાજી આવ્યા હોવાના દાવા સાથે પરિવારના સભ્યો ભુવા પાસે લઈ ગયા તો ભુવાએ આકરા ડામ આપ્યા હતા જેમાં યુવતીનું મોત થયું હતું. આ કેસમાં પારડી પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવતીના પિતા, 2 બહેન અને જમાઈ સામે ગુનો નોંધ્યો છે.
ભુવાએ યુવતીને શરીર પર ડામ આપ્યા
મળતી વિગતો અનુસાર વલસાડમા અંધશ્રદ્ધાએ એક યુવતીની ભોગ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં યુવતીને માતાજી આવ્યા હોય તેમ કહીને પરિવારના સભ્યો ભુવા પાસે લઈ ગયા હતા અને ભુવાએ આકરા ડામ આપ્યા હતા. આ ઘટનામાં યુવતીનું મોત થયું હતું. સ્મશાનમાં ભુવાએ યુવતીને શરીર પર ડામ આપ્યા જેના કારણે યુવતીને ખેંચ આવી અને ઘટના સ્થળે જ તેનું મોત થયુ હતું.
ચાર લોકો સામે ફરિયાદ
આ કિસ્સો તે સમયે સામે આવ્યો કે જ્યારે મૃતદેહને અંતિમક્રિયા માટે લઈ જવામાં આવતો હતો. આ સમયે ગ્રામજનોને આ વાતની ખબર પડતા પોલીસને જાણ કરી હતી. તેમજ એકત્ર થયેલા ગ્રામજનોએ ભુવાને માર મારતા તે સ્મશાનમાંથી ભાગી ગયો હતો. પારડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસ વિશેરા રિપોર્ટની જોઈ રહી છે. ત્યારે હવે પોલીસે આ કેસમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે.
આપણ વાંચો : કોણ કહે છે દહેજની સમસ્યા નથી?: પુધવધૂને ફીનાઈલ પિવડાવી દેવાનો કિસ્સો નોંધાયો