ધરમપુરમાં ચિંતન શિબિરના બીજા દિવસે શું થઈ ચર્ચા?

વલસાડઃ રાજ્ય સરકાર દ્વારા ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી 12મી ‘ચિંતન શિબિર-2025’ના દ્વિતીય દિવસે ભારતના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ પર માર્ગદર્શન આપતા કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી.સોમનાથને જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સમન્વય રાષ્ટ્રના વિકાસ અને જાહેર વહીવટને સરળ, સુગમ અને પ્રજા કેન્દ્રી બનાવે છે. એક તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે અધિકારીઓ નિયમ અને પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરે છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓએ તેમના જ્ઞાનવર્ધક સેશનને માણ્યું હતું.

ટી.વી.સોમનાથને વધુમાં કહ્યું કે, દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રના રૂપે આગળ ધપાવવાના ધ્યેય સાથે કેન્દ્ર સરકાર આર્થિક વિકાસ, ઉદ્યોગોને પ્રોત્સાહનની નીતિ, સરળ વ્યાપારી માહોલ અને ગુડ ગવર્નન્સ તરફ વધુ સક્રિય પગલાં ભરી રહી છે. ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપના ઉદ્યમીઓને ઘણીવાર ટેક્સ વિભાગો દ્વારા બિનજરૂરી હેરાનગતિ ન થાય એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્તરે આ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે નીતિગત પ્રયત્નો ચાલી રહ્યા છે. ભારત વિકાસની યોગ્ય નીતિઓ, સુધારેલી શાસનવ્યવસ્થા અને ચૂંટાયેલી પાંખ તથા વહીવટી તંત્ર વચ્ચેના ગાઢ સમન્વયથી ભારત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય ચોક્કસ હાંસલ કરશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Video: હર્ષ સંઘવી ગ્લાસગોથી સીધા પહોંચ્યા ચિંતન શિબિરમાં, આ રીતે થયું સ્વાગત
છેલ્લા 10-12 વર્ષમાં કરોડો લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા
તેમણે વધુમાં કહ્યું કે, ભારતનું ફોરેક્સ રિઝર્વ મજબૂત છે, મોંઘવારી નિયંત્રણમાં છે. રોજગાર સર્જનમાં વૃદ્ધિ થઈ રહી છે અને રાજકોષીય સ્થિતિ સ્થિર છે જે સર્વાંગી વિકાસ માટે શુભ સંકેત છે. છેલ્લા 10-12 વર્ષમાં કરોડો લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે.નાગરિક સુખાકારી આધારિત નીતિઓ, નાણાકીય વ્યવસ્થાપણ, પી.એમ. આવાસો જેવા સસ્તા ઘર, સ્વચ્છતા અભિયાન અને સામાજિક સુરક્ષા યોજનાઓના પરિણામો છે.
વિકાસનો પાયો મજબૂત થશે
દેશમાં અનેકવિધ IIT, IIM, મેડિકલ અને નર્સિંગ કોલેજોની સ્થાપનાએ નવયુવાનો માટે રોજગારી અને સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ ઊભી કરવાના અપાર અવસરો ઊભા કર્યા છે, જે આગામી દાયકાઓ માટે વિકાસનો મજબૂત પાયો સાબિત થશે.



