Video: હર્ષ સંઘવી ગ્લાસગોથી સીધા પહોંચ્યા ચિંતન શિબિરમાં, આ રીતે થયું સ્વાગત

વલસાડઃ ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ મળતા આ ઐતિહાસિક સફળતાને ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઇ રહેલી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ” થીમ આધારિત ચિંતન શિબિરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી હતી.
ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા આ અવિસ્મરણીય ઘડીને આવકારવા માટે આશ્રમના પેવેલિયનમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી આવી પહોંચતા ઢોલ નગારાની ગુંજ અને આતશબાજી સાથે વાજતે ગાજતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ એ આદિવાસી નૃત્ય કરી આ ઘડીને આવકારી હતી.
આ ઐતિહાસિક સફળતાની ઉજવણીને વધાવતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતને મળી તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. નરેન્દ્ર મોદીનું વિઝન છે કે, વિશ્વનો કોઈ દેશ કરી શકે તો ભારત પણ કરી જ શકે છે, આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ. તેમણે ગેમ્સ માટે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે તેનાથી આજે આ ઐતિહાસિક સફળતા મળી છે.
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારત દેશ માટે ગૌરવની વાત છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે તેના નેતૃત્વનો અવસર ગુજરાતને પ્રાપ્ત થયો તે ગૌરવવંતી ક્ષણ છે. નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી તેનું આજે આપણને ફળ મળ્યું છે. રમતગમત વિભાગનું ટીમવર્ક, પ્રેઝન્ટેશનની સફળતા થકી ગુજરાત અને અમદાવાદને યજમાનપદ મળ્યું છે. જે બદલ સૌને અભિનંદન પાઠવું છું.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. કોમનવેલ્થ મળી છે તેમ ઓલિમ્પિક પણ મળે તે માટે પ્રયાસો ચાલુ છે. આ માત્ર શરૂઆત છે. ટીમ લીડર તરીકે તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર ભારતને ગૌરવ થાય તે રીતે ગુજરાતની ટીમ કામ કરી રહી છે.
આ પણ વાંચો…ધરમપુરમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રહ્યાં ઉપસ્થિત



