વલસાડમાં 54 લાખની નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો, ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તંત્ર સામે રોષ

સુરત: વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં ચાલી રહેલા વિકાસલક્ષી કામકાજ વચ્ચે એક ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં અંદાજે 54 લાખ રૂપિયાના ખર્ચે બની રહેલી પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. ટાંકીનો સ્લેબ અને સેન્ટિંગનો મોટો ભાગ અચાનક તૂટી પડતા બાંધકામની ગુણવત્તા સામે આંગળીઓ ચીંધાઈ રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભય અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટનાને પગલે વલસાડના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અગ્રણી મિત દેસાઈએ આક્ષેપ કર્યો છે કે આ ટાંકીનું નિર્માણ ‘જયશક્તિ સુપર કન્સ્ટ્રક્શન’ નામની કંપની કરી રહી છે. આ એ જ કંપની છે જેણે અગાઉ સુરતના તારકેશ્વરમાં 21 કરોડ રૂપિયાની પાણીની ટાંકી બનાવી હતી, જે પણ ધરાશાયી થઈ હતી. વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો છે કે સુરતમાં જેનો રેકોર્ડ ખરાબ રહ્યો છે તેવી કંપનીને બ્લેકલિસ્ટ કરવાના બદલે વલસાડમાં ફરીથી કામગીરી કેમ સોંપવામાં આવી? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
ટાંકી ધરાશાયી થવાની ઘટના સાથે જ મજૂરોની સુરક્ષાનો ગંભીર મુદ્દો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટાંકી પર કામ કરી રહેલા મજૂરો કોઈ પણ પ્રકારના સેફ્ટી બેલ્ટ કે સુરક્ષા ઉપકરણો વિના જોખમી રીતે કામ કરી રહ્યા હતા.
વિપક્ષી નેતાઓએ સવાલ કર્યો છે કે જો આ દુર્ઘટનામાં કોઈ મજૂરનું મોત થયું હોત, તો તેની જવાબદારી કોણ લેત? કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોની સુરક્ષા બાબતે રખાયેલી આ ઘોર બેદરકારી પર પણ કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.
બીજી તરફ, વલસાડના પ્રાંત અધિકારી વિમલ પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ટાંકીનું કામ લગભગ પૂર્ણતાના આરે છે અને પ્રાથમિક દ્રષ્ટિએ માત્ર સ્લેબના પતરા નીકળી ગયા હોય તેવું જણાય છે.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ ટેકનિકલ એક્સપર્ટ નથી, પરંતુ નગરપાલિકાના ઈજનેરો સાથે આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જો તપાસમાં બાંધકામની ગુણવત્તામાં ખામી અથવા કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાશે, તો કાયદેસરના કડક પગલાં લેવાની ખાતરી તેમણે આપી છે.



