3 વર્ષની બાળકીને પીંખનાર દુષ્કર્મીને આજીવન કેદની સજા, માત્ર 6 મહિનામાં જ ચુકાદો

વલસાડઃ ભારતમાં દુષ્કર્મના કેસમાં પીડિતાએ ન્યાય માટે લાંબી લડાઈ લડવી પડતી હોય છે. એવા અનેક કેસો છે જેમાં પીડિતાને વર્ષો પછી પણ ન્યાય નથી મળતો! પીડિતા કે તેના પરિવારજનો કોર્ટના ધક્કા ખાઈ-ખાઈને થાકી જાય છે. જો કે, સાવ ન્યાય નથી મળતો એવું પણ નથી. મોટા ભાગે આવા દુષ્કર્મના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મુકવામાં આવે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, છેલ્લા 3 વર્ષમાં સરકારે આવા કેસોને ગંભીરતાથી લેતા ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ઝડપી પોલીસ કાર્યવાહી દ્વારા પીડિત પરિવારોને ઝડપી ન્યાય અપાવ્યો છે.
6 જ મહિનામાં આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી
વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં 2024 માં એક ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને આરોપીને 6 મહિનામાં સજા ફટકારવામાં આવી હતી. નોંધનીય છે કે, વલસાડ પોલીસે દુષ્કર્મના આરોપીઓને ઝડપી પાડીને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે એક વિશેષ ટીમ બનાવી હતી. સરકારે પણ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને માત્ર 6 જ મહિનામાં આરોપી ગુલામ મુસ્તફાને આજીવન કેદની સજા અપાવી છે.
માત્ર 3 વર્ષની બાળકીને હેવાનોએ પીંખી નાખી હતી
ઘટનાની વાત કરવામાં આવે તો, 27 ઓગસ્ટ, 2024 ના રોજ માત્ર 3 વર્ષ અને 3 મહિનાની બાળકીને નરાધમીઓ પીંખી નાખી હતી. આ સમગ્ર ઘટનાની ઉમરગામ પોલીસને સાંજે 6 વાગ્યે જાણ થતાં પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો અને પીડિતાને તબીબી તપાસ માટે મોકલી હતી. આ ગુનો ભારતીય દંડ સંહિતા (IPC), 2023 ની કલમ 65(2) અને POCSO એક્ટની કલમ 4, 5(m), 6, 8 હેઠળ નોંધવામાં આવ્યો હતો.
દુષ્કર્મ કર્યા બાદ આરોપી ઝારખંડમાં તેના વતન ભાગી ગયો હતો
નોંધનીય છે કે, દુષ્કર્મની ઘટનાને ગંભીરતાથી લેતા વલસાડ પોલીસે આરોપીઓને પકડવા માટે એક ખાસ ઓપરેશન ગ્રુપ અને વરિષ્ઠ અધિકારીઓની ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસે આ કેસના તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, આરોપી દુષ્કર્મ કર્યા પછી ઝારખંડમાં તેના વતન ભાગી ગયો હતો. જેથી પોલીસે આરોપીને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. તપાસના અંતે વલસાડ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો…વડોદરા અકસ્માતઃ રક્ષિત ચૌરસિયાને 11 દિવસ બાદ ફેસ સર્જરી માટે લાવવામાં આવ્યો હોસ્પિટલ…
માત્ર 9 દિવસમાં પોલીસે 470 પાનાની ચાર્જશીટ દાખલ કરી દીધી
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ફોરેન્સિક રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ, તકનીકી અને સાક્ષી પુરાવા એકત્રિત કર્યા પછી, માત્ર 9 દિવસમાં પોલીસ દ્વારા પોક્સો કોર્ટમાં 470 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આરોપીને આજીવન કેદ અને 50,000 રૂપિયા દંડની સજા ફટકારી છે. આ સાથે સાથે પીડિતાને 6 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પીડિત પુત્રી અને તેના પરિવારને ન્યાય અપાવવામાં વલસાડ પોલીસની સમગ્ર ટીમને તેમના ઝડપી અને અનુકરણીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા છે.