
વલસાડઃ વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે જલારામ પ્રોવિઝન-સ્ટોરની સામે 100 વર્ષ જૂનું મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણ ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની બાળકીને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. તેને લોહીલુહાણ હાલતમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
મળતી વિગત પ્રમાણે, વલસાડના મોગરાવાડી નવરંગ ફળિયામાં રહેતા અજય પટેલના ત્રણ બાળકો અબ્રામા ખાતે સ્કૂલમાંથી છૂટીને બપોરે આશરે 12:30 વાગ્યાના સુમારે એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. સ્કૂલેથી છૂટીને એક્ટિવા પર જઈ રહેલા ત્રણ ભાઈ-બહેન પર અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેથી ત્રણેય ભાઈ-બહેન ઝાડ નીચે દબાઈ ગયા હતા. જેઓને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 10 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
આ પણ વાંચો: મોડી રાત્રે રાજ્યભરમાં કમોસમી વરસાદે ધડબડાટી બોલાવી, મિની વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી
આ ઘટના બાદ સ્થળ પર વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તેમજ જીઈબીના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ધરાશાયી થયેલા વૃક્ષને કાપીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. વરસાદને કારણે જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.