વલસાડના પારડીમાં શ્રમિકોની વિશાળ રેલી, સમાન કામ સમાન વેતનની માગ સાથે હજારો જોડાયા

વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં શ્રમિકોના કથિત શોષણ અને અન્યાયના મુદ્દે તાલુકા કોંગ્રેસ અને કામદારોના એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વિશાળ “જન આક્રોશ રેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘કામદારો છીએ ગુલામ નથી’, ‘સમાન કામ સમાન વેતન’ સહિતના બેનરો સાથે મોટી સંખ્યામાં શ્રમિકો ઉમટ્યાં હતા.
બે કંપનીના કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્ને હાલ હડતાળ પર
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કામદારોએ રેલી કાઢી પારડીના પ્રાંત અધિકારી (એસડીએમ)ને આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ રજૂ કરી હતી. આ મામલો વલસાડની ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલી ડેમોસા કંપની અને વાપી જીઆઈડીસીમાં આવેલી આલોક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંબંધિત છે કારણ કે આ બે કંપનીના કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્ને હાલ હડતાળ પર છે.
આ પણ વાંચો : ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ પર તવાઈ, 409 ગુના નોંધાયા, 477 લોકોની ધરપકડ
કામદારોને ફરીથી નોકરી પર લેવાની પણ માંગ કરવામાં આવી
આવેદનપત્રમાં તાલુકા કોંગ્રેસ સમિતિ અને યુનિયન દ્વારા મુખ્યત્વે પગાર વધારો, કામદારોની પુનઃનિયુક્તિ, અકસ્માત વળતર, મહિલા કામદારોના સમયમાં ફેરફાર અને કંપનીમાં સુવિધાઓના અભાવ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. કામદારોની માંગણીઓમાં વર્ષ 2023 થી વર્ષ 2025 સુધીનો બાકી પગાર વધારો અને તેનું એરિયસ તાત્કાલિક ચૂકવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુનિયનની રચના સમયે કારણ વગર છૂટા કરાયેલા 17 થી 20 જેટલા કામદારોને ફરીથી નોકરી પર લેવાની પણ માંગ કરવામાં આવી છે.
રૂ. 20 લાખ સુધીના વળતરની માંગ
અકસ્માત વળતર અંગે, જો કોઈ કામદારનું ચાલુ નોકરીએ અકસ્માત કે મૃત્યુ થાય, તો તેને રૂ. 20 લાખ સુધીનું વળતર અને તેના બાળકોના શિક્ષણનો ખર્ચ સંસ્થા દ્વારા ભોગવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. મહિલા કામદારો માટે સવારે 7:00 થી બપોરે 3:00 વાગ્યાનો જૂનો સમય યથાવત્ રાખવાની માંગ છે, કારણ કે હાલનો સવારે 11:00 થી સાંજે 7:00નો સમય તેમના ઘરેલું કામકાજમાં અડચણરૂપ બને છે.
આ પણ વાંચો : દૂષિત પાણી-ફૂડને લઈ રાજકોટમાં આરોગ્ય વિભાગ એક્શનમાંઃ પાણીપુરીવાળા પર તવાઈ
પાયાની સુવિધાઓનો પણ અભાવ હોવાનો આક્ષેપ
આવેદનપત્રમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, પોતાના હક્ક અધિકાર માટે અવાજ ઉઠાવતા કામદારોને વગર નોટિસે નીચલી કક્ષાની પોસ્ટ પર ટ્રાન્સફર કરવાની કે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવાનું બંધ થવું જોઈએ. કંપનીમાં સેનિટેશન, બાથરૂમ, કેન્ટીન અને વાહન પાર્કિંગ જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.



