વલસાડના નાનાપોંઢાને નવો દરજ્જો: નવનિર્મિત મામલતદાર અને TDO કચેરીનું લોકાર્પણ...
વલસાડ

વલસાડના નાનાપોંઢાને નવો દરજ્જો: નવનિર્મિત મામલતદાર અને TDO કચેરીનું લોકાર્પણ…

વલસાડઃ જિલ્લાના નવનિર્મિત નાનાપોંઢા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાનાપોંઢા તાલુકાની રચના કપરાડા તાલુકામાંથી વિભાજન કરીને કરવામાં આવી છે. આ નવા તાલુકામાં કુલ 49 ગામોનો સમાવેશ થાય છે અને તેનું મુખ્ય મથક નાનાપોંઢા રહેશે. આ રચનાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકોને સરકારી સેવાઓનો લાભ ઘરઆંગણે જ પૂરો પાડવાનો છે.

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુ દેસાઈના હસ્તે આ કચેરીઓ ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના વન, પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના પ્રધાન તેમજ જિલ્લા પ્રભારી મુકેશભાઈ પટેલ અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાન કનુભાઈ દેસાઈએ નવરચિત નાનાપોંઢા તાલુકાની રચનાની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્રઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી સરળ અને સુંદર આયોજન સાથે સમગ્ર ગુજરાતના બધા ગામડામાં ૨૪ કલાક વીજળી આપવાનું શરૂ કર્યું હતું. આદિવાસી વિસ્તાર અને સાગરખેડુઓ માટે અલાયદા બજેટની વ્યવસ્થા કરવામાં આવી.

આદિવાસી વિસ્તારમાં ખેતીવાડીનો વિકાસ થયો છે એટલો વિકાસ બીજી કોઈપણ જગ્યાએ થયો નથી. ગુજરાતમાં નવા જિલ્લા અને તાલુકાઓની રચના બાદ તુરંત જ દરેક કાર્યાલયો કાર્યરત કરવાનું કાર્ય મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું, જીએસટીના સુધારાઓ દેશના દરેક વ્યક્તિને સ્પર્શે છે. આ ફાયદાઓના લીધે લોકોની આવક વધશે, વપરાશ વધશે અને ફેક્ટરીઓમાં ઉત્પાદન સાથે રોજગારી પણ વધશે. સ્વદેશી વસ્તુઓના વપરાશથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે.

સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે, નાનાપોંઢા તાલુકાની રચના અહીંના લોકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે કરવામાં આવી છે. રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલે ઉમેર્યું કે, હવે તાલુકાના લોકોને સરકારી સેવાઓ માટે કપરાડા જવાની જરૂર નહીં પડે અને તેઓ ઘરઆંગણે જ તેનો લાભ લઈ શકશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button