વલસાડ

અજાણ્યા ‘ડોક્ટર’ પાસેથી સારવાર લેતા પહેલા ચેતજો! વલસાડમાં ઘૂંટણના દુખાવાની ‘જાદુઈ સારવાર’ના નામે લાખોની ઠગાઇ…

વલસાડ: ગુના કે છેતરપિંડી માટે શું દવા કે ઈલાજનો પણ ઉપયોગ થઇ શકે? તો વલસાડના એક કિસ્સાએ ગઠિયાઓની છેતરપિંડી માટેની નવી ચાલને પ્રકાશમાં લાવી છે. વલસાડ ટાઉન પોલીસે સોમવારે એક વૃદ્ધ વેપારી સાથે ઘૂંટણના દુખાવાના “ચમત્કારી ઈલાજ”ના બહાને ₹1 લાખની છેતરપિંડી કરવા બદલ બે આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપીઓએ પીડિતને લગાવેલા પ્રવાહીના એક ટીપાના રૂ. 11,000 વસૂલ્યા હતા. તેમણે વૃદ્ધ વેપારીને કુલ 172 ટીપાં લગાવ્યા હતા અને સારવાર પેટે રૂ. 19 લાખની માંગણી કરી હતી. પીડિતે રોકડા રૂ. 1 લાખ ચૂકવ્યા પછી આરોપીઓ બાકીની રકમ બેંક ટ્રાન્સફર દ્વારા મેળવવા માટે સતત દબાણ કરી રહ્યા હતા.

વલસાડ પોલીસે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોરમાં રહેતા અને મૂળ રાજસ્થાનના બારાના આંટા ગામના રહેવાસી મોહમ્મદ સમીર ઈરફાન અને મોહમ્મદ ઈરફાન ઈસ્માઈલ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી, આ કેસમાં ‘ડો. રુસ્તમ’ તરીકે પોતાની ઓળખ આપનાર મુખ્ય આરોપી મોહમ્મદ ઈરફાન આરીફ હજુ ફરાર છે.

ઇંડાના જથ્થાબંધ વેપારીને ઘૂંટણમાં દુખાવો થતો હતો. 15 નવેમ્બરના રોજ, જ્યારે તેઓ એક સ્થાનિક વૈદ્ય પાસેથી મલમ લગાવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ એક નાસ્તાની દુકાને ઊભા રહ્યા હતા. ત્યાં ઋષિ મહેતા નામના વ્યક્તિએ તેમની સાથે ઘૂંટણના દુખાવાની ચર્ચા કરી અને ‘ડો. રુસ્તમ’ પાસેથી સારવાર લેવાની સલાહ આપી હતી.

ત્યારબાદ 17 નવેમ્બરના રોજ, ઋષિ મહેતાએ ફોન કરીને ‘ડો. રુસ્તમ’નો સંપર્ક નંબર આપ્યો હતો. ફરિયાદીના પત્નીએ ‘ડો. રુસ્તમ’ને ફોન કર્યો હતો અને ટૂંક સમયમાં જ આરોપીઓ તેમના ઘરે સારવાર આપવા પહોંચ્યા હતા. સારવાર બાદ આરોપીઓએ 172 ટીપાંના કુલ રૂ. 19 લાખની માંગણી કરી હતી, એટલે કે એક ટીપાના રૂ. 11,000. વૃદ્ધ દંપતી પાસે તે સમયે એટલી મોટી રકમ હાજર ન હોવાથી તેઓએ રોકડા રૂ. 1 લાખ ચૂકવ્યા હતા.

ત્યારબાદ આરોપીઓ બાકીની રકમ ચૂકવવા દબાણ કરવા લાગ્યા હતા, જેનાથી દંપતીને છેતરાયા હોવાનો અહેસાસ થતાં વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ આરોપીઓ મનોરમાં રહે છે અને ચિખલી, સુરત, વસઈ અને અન્ય સ્થળોએ લોકોને ‘ચમત્કારી ઈલાજ’નું વચન આપીને નાની રકમોની છેતરપિંડી કરી હોવાની આશંકા છે. આ ગેંગ ખાસ કરીને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોને નિશાન બનાવે છે.” પોલીસે આ કેસમાં વધુ એક વ્યક્તિની સંડોવણીની શંકા વ્યક્ત કરી છે અને ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે જેથી ફરાર મુખ્ય આરોપી અને અન્ય સંડોવાયેલા વ્યક્તિની ઓળખ થઈ શકે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button