કચ્છ, મુંબઈ પછી હવે તિથલના દરિયા કિનારે જોવા મળ્યું કન્ટેનર, સુરક્ષા એજન્સીની ઊંઘ હરામ

વલસાડઃ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં કન્ટેનર તણાઈ આવવાનો સિલસિલો યથાવત છે. મંગળવારે વલસાડ જિલ્લાના તિથલ બીચ પર એક શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું હતું. જેનાથી સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. આ કન્ટેનરને જોઈને સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. વલસાડ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મુંબઈના દરિયા કિનારેથી પણ થોડા દિવસ પહેલા આવું કન્ટેનર જોવા મળ્યું હતું. સમયાંતરે દરિયા કિનારેથી મળી રહેલા કન્ટેનરને લઈ સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે શંકાસ્પદ કન્ટેનર તણાઈને આવતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે વલસાડ પોલીસ, SOG અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કન્ટેનરમાં ઓઈલ અથવા કેમિકલ ભરેલું હોવાની શક્યતા છે. જોકે, હાલમાં તે દરિયાની અંદર હોવાથી તેની તપાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. પાણી ઓછું થયા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કન્ટેનર દરિયામાં હોવાથી તપાસમાં વિલંબ થઈ રહ્યો છે. ભરતીના પાણી ઓસર્યા બાદ તપાસ હાથ ધરાશે.
આ પણ વાંચો: કચ્છના દરિયે ફરી બે કન્ટેનર તણાઈ આવ્યા, છેલ્લા અમુક મહિનાથી આવી ઘટનાઓ વધી
થોડા દિવસ પહેલા નવસારીના દાંડી દરિયાકિનારે એક કન્ટેનર તણાઈ આવ્યું હતું. હોમગાર્ડે આ અંગે જલાલપોર પોલીસને જાણ કરી હતી. આ કન્ટેનરમાં પણ કેમિકલ ભરેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામજનોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. નવસારી મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે તે અત્યાર સુધીમાં પોરબંદર, મુન્દ્રા, દ્વારકા, મીઠાપુર, માંડવી, નવસારી જિલ્લાના દરિયા કિનારે વિવિધ કન્ટેનર તણાઈને આવ્યા છે.