પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજ મેદાનમાં, સરકારે શું કહ્યું?

વલસાડઃ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મોટી રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. આદિવાસી નેતાએ કહ્યું કે, એક-બે લાખથી કઈ નહીં થાય, આપણે ડેમ જોઇતો જ નથી. તાપીના પૂર્વ સાંસદે મરવા સુધીની તૈયારી બતાવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. ડીપીઆર મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ, સૌરાષ્ટ અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આદિવાસીઓના કહેવા મુજબ, કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.
થોડા દિવસ પહેલા લોકસભામાં આ પ્રોજેકટનો ડીપીઆર રજૂ થયો હોવાના અહેવાલ આવ્યા હતા. એટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરુ થયો હતો. જે બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડીખમ છે.
તેમણે આ યોજના સંદર્ભેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ વર્ષ 1980માં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2011માં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન કેન્દ્ર સરકારના દિવંગત પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ – 2017માં આ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ ડીપીઆર સંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ-2022 માં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાસંદ સી.આર.પાટીલ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. ત્યારથી લઇ આજદિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઇને કોઇપણ મૂવમેન્ટ કરાઇ નથી.
આ પણ વાંચો…પાર-તાપી-નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ ગરમાયું: ભાજપ-કોંગ્રેસ આમને સામને…